ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 મેચમાં શ્રેષ્ઠ બોલિંગ કરનારા વોશિંગ્ટન સુંદરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં તે મોટી ભૂમિકા ભજવવાની કાબેલિયત ધરાવે છે. સુંદરે રવિવારે રાત્રે રમાયેલી મેચમાં 3 ઓવર ફેંકી હતી અને તેમાંથી એક મેડન રહી હતી. તેણે માત્ર 12 રન આપીને એક વિકેટ પણ લીધી હતી.
સુંદરની બોલિંગની સૌથી સારી વાત એ રહી હતી કે તેણે વેસ્ટઇન્ડિઝના તોફાની બેટ્સમેનોને મોટા ફટકા મારવા દીધા નહોતા. મેચ પછી કોહલીએ કહ્યું હતું કે વોશિંગ્ટને જે રીતે બોલિંગ કરી ખાસ કરીને ત્યારે જ્યારે કે વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ મોટા ફટકા મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે તેણે જોરદાર બોલિંગ કરી બતાવી હતી લાંબા સમય સુધી બહાર રહેવા છતાં પણ તેણે જે સ્વભાવ અને સંયમ બતાવ્યો છે તેની પ્રશંસા થવી જોઇએ. કોહલીએ કહ્યું હતું કે તે આગામી સમયમાં મોટું ફેકટર સાબિત થઇ શકે તેમ છે.