ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અહીં ત્રીજી ટી-20માં વિજય પછીની પ્રેસ કોન્ફરન્સમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ભવિષ્યનો ખેલાડી ગણાવતા કહ્યું હતું કે તેને પોતાની ક્ષમતા પુરી રીતે બતાવવા માટે પુરતો સમય આપવાની જરૂર છે. તેણે કહ્યું હતું કે પંતને અમે ભવિષ્ય તરીકે જોઇ રહ્યા છીએ, તેની પાસે ક્ષમતા અને પ્રતિભા છે. તેના પર પ્રેશર ઊભું કરવાને બદલે તેને પુરતો સમય આપવો પડશે. તે ટૂંક સમયમાં ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવતો થઇ જશે.
વેસ્ટઇન્ડિઝ સામે અહીં રમાયેલી ત્રીજી ટી-20માં મહત્વના સમયે અર્ધસદી ફટકારવાની સાથે જ યુવા બેટ્સમેન ઋષભ પંતની સાથે શતકીય ભાગીદારી કરીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પછી કહ્યું હતું કે મને નથી લાગતું કે મારે બેટ વડે મારી જાતને કોઇ સામે સાબિત કરવાની જરૂર છે. હું બસ મારી ફરજ નિભાવવા માગુ છું. હું મારા વ્યક્તિગત પ્રદર્શન માટે નથી રમતો. ટીમનો દરેક ખેલાડી વ્યક્તિગત પ્રદર્શન માટે નહીં પણ ટીમ માટે રમે છે. અમારી ભૂમિકા જ એ છે કે ટીમને લાઇન પાર લઇ જઇએ.