ઓશાને થોમસની આગેવાનીમાં ઝડપી બોલરોઍ શોર્ટ પીચ બોલિંગ વડે કમાલ ર્ક્યા પછી ક્રિસ ગેલની તોફાની અર્ધસદીની મદદથી વેસ્ટઇન્ડિઝે અહીં રમાયેલી વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાનને ૨૧૮ બોલ બાકી રાખીને 7 વિકેટે કચડી નાખીને વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી. વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પહેલા પાકિસ્તાનને દાવમાં મુક્યુ હતું તે પછી કેરેબિયન ઝડપી બોલરોઍ શોર્ટ પીચ બોલ વડે ઍવો આંતક મચાવ્યો કે પાકિસ્તાનની ટીમ 21.4 ઓવરમાં જ 105 રને તંબુભેગી થઇ હતી. વેસ્ટઇન્ડિઝે ગેલની અર્ધસદીની મદદથી 13.4 ઓવરમાં 3 વિકેટે 108 રન બનાવી મેચ સરળતાથી જીતી હતી. 27 રનમાં 4 વિકેટ ઉપાડનારા ઓશાને થોમસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
105 રનના લક્ષ્યાંક સામેં ક્રિસ ગેલે 34બોલમાં6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા, જ્યારે નિકોલસ પૂરને 19 બોલમાં 34 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલો શાઇ હોપ માત્ર 11 રન કરીને આઉટ થયો હતો. તે પછી ડેરેન બ્રાવો શૂન્ય રને આઉટ થયો હતો. જો કે ગેલે પોતાના ચિરપરિચિત અંદાજમાં બેટિંગ કરી હતી, તેણે પહેલા હસન અલીને લક્ષ્યાંક બનાવ્યો હતો. તે મહંમદ આમિરના બોલે આઉટ થયો તે પહેલા તેણે પોતાની 52મી અર્ધસદી પુરી કરી હતી.
27 રનમાં 4 વિકેટ ઝડપનાર ઓશાને થોમસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો
આ પહેલા પાકિસ્તાન તરફથી ફખર ઝમાન અને બાબર આઝમે 22-22 રન કર્યા હતા. તેમના સિવાય વહાબ રિયાઝે 18 અને મહંમદ હાફિઝે 16 રન કર્યા હતા. જો રિયાઝે 18 રન ન કર્યા હોત તો પાકિસ્તાન ત્રણ આંકડે પણ પહોંચી ન શક્યું હોત. ઍક સમયે પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 75 રન હતો પણ તે પછી પત્તાના મહેલની જેમ પાકિસ્તાનની ઇનિંગ કડડભૂસ થઇ હતી. વેસ્ટઇન્ડિઝ વતી ઓશાને થોમસે 4 તો જેસન હોલ્ડરે 3, આન્દ્રે રસેલે 2 અને શેલ્ડન કોટ્રેલે 1 વિકેટ લીધી હતી.