ભારતના વેસ્ટઇન્ડિઝ પ્રવાસની વન ડે સિરીઝની આજે અહીં રમાઇ રહેલી પ્રથમ વનડે વરસાદને કારણે પહેલા બે કલાક મોડી શરૂ થઇ હતી અને તે પછી મેચ શરૂ થયાની પાંચ ઓવર પછી ફરી વરસાદે વિધ્ન નાંખ્યું હતું, રમત શરૂ થઇ અને ફરી બંધ થઇ, આમ વારંવાર રમતમાં વરસાદે વિરામ પાડવાનું ચાલુ રાખ્યું હતું અને પહેલા 43 ઓવરની તે પછી 40 ઓવરની અને તે પછી 34 ઓવરની મેચ કરવામાં આવી હતી, જો કે વરસાદે ફરી એકવાર વિઘ્ન નાંખ્યા પછી રમત શરૂ થવાની કોઇ સંભાવના ન દેખાતા અંતે મેચ રદ કરી દેવામાં આવી હતી. આજની મેચમાં માત્ર 13 ઓવરની રમત શક્ય બની હતી.
વેસ્ટઇન્ડિઝે પ્રથમ 10 ઓવરમાં વિના વિકેટે 42 રન બનાવી લીઘા હતા. એવીન લુઇસ 30 બોલમાં 34 જ્યારે ક્રિસ ગેલ 30 બોલમાં 4 રન કરીને રમતમાં હતા.
તે પછી 11મી ઓવરના પહેલા જ બોલે કુલદીપ યાદવે ગેલને બોલ્ડ કરીને ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી હતી. ગેસ 31 બોલમાં માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. તે પછી જ્યારે વેસ્ટઇન્ડિઝનો સ્કોર 13 ઓવરમાં 1 વિકેટે 54 રન હતો ત્યારે ફરી એકવાર વરસાદે વિરામ પાડ્યો હતો. રમત બંધ રહી ત્યારે લુઇસ 40 અને શાઇ હોપ 6 રને્ રમતમાં હતા.
વરસાદને કારણે મોડી શરૂ થયેલી મેચ પહેલા ટુંકાવીને 43 ઓવરની કરવામાં આવી હતી અને તે પછી 5.4 ઓવરની રમત થઇ હતી ત્યારે ફરી વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. તે સમયે વેસ્ટઇન્ડિઝનો સ્કોર વિના વિકેટે 9 રન હતો. તે પછી રમત શરૂ થવાની હતી ત્યારે પહેલા મેચ 40-40 ઓવરની કરવામાં આવી હતી, પણ તે પછી આઉટ ફિલ્ડ ભીનું હોવાને કારણે મેચ મોડી શરૂ થવાને કારણે તે 34-34 ઓવરની કરવામાં આવી હતી.