ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડકપ પછી આરામ કરવા માગતો હતો અને તેના માટે તેણે વર્લ્ડકપ પહેલાથી જ પસંદગી સમિતિને જાણ કરી રાખી હતી, જો કે વર્લ્ડકપ પછી અચાનક વિરાટે પોતાનો નિર્ણય ફેરવી તોળીને વેસ્ટઇન્ડિઝ પ્રવાસે જવાની તૈયારી બતાવી તેનાથી ઘણાને નવાઇ લાગી છે. કોહલીએ અચાનક વેસ્ટઇન્ડિઝ પ્રવાસે જવાનો નિર્ણય કર્યો તેની પાછળનું કારણ હવે જાહેર થયું છે.
વર્લ્ડ કપ 2019ની સેમી ફાઇનલમાં મળેલા પરાજય પછી એક તરફ વિરાટ અને તેની ટીમ સામે માછલા ધોવાઇ રહ્યા હતા અને એવું કહેવાતું હતું કે પસંદગીકારો હવેથી ટેસ્ટ અને વન-ટે ટીમના કેપ્ટન અલગઅલગ રાખવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે રવિવારે વેસ્ટઇન્ડીઝ પ્રવાસે જનારી ટી-20, વન ડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટ માટેની ટીમની જાહેરાત થઈ તેમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીને જાળવી રખાયો હતો. આવા સમયે વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડીઝ પ્રવાસે જવાનો અચાનક કેમ નિર્ણય લીધો તે બાબતે કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ હવે પોતાની કેપ્ટન્સી સામે ઊભા થયેલા સવાલોનો જવાબ આપવાનો ઇરાદો ધરાવે છે અને તેથી તેણે આ પ્રવાસે જવાનો નિર્ણય કર્યો છે.
વર્લ્ડકપ સેમીફાઇનલમાં પરાજય પછી કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની જોડી પર ઘણા સવાલો ઉભા થયા હતા. આ ઉપરાંત બીસીસીઆઇની વહીવટદારોની કમિટી (સીઓએ) પણ તેમને કેટલાક સવાલો કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જઇને ત્યાં ટીમને વિજય અપાવીને લોકોના મ્હો બંધ કરવાની તૈયારી કરી હોવાનું માનવામા આવે છે.