ભારતીય ટીમ મંગળવારે અહીં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં જ્યારે રમવા ઉતરશે ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોને વિરાટ કોહલી પાસે 2008ના અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલ જેવું જ પરિણામ લાવવાની આશા હશે. બંને ટીમ આ વર્લ્ડકપમાં પહેલીવાર સામ સામે આવી રહી છે, કારણ બંને વચ્ચેની લીગ મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી.
કોહલી અને વિલિયમ્સન પોતાની કેરિયરમાં બીજીવાર વર્લ્ડકપ સેમી ફાઇનલમાં સામસામે આવ્યા છે. આ પહેલા આ બંને કેપ્ટન 2008ના અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં સામસામે આવ્યા હતા. વિરાટ કોહલીઍ ઍ મેચમાં બોલિંગમાં કમાલ કરીને બે વિકેટ ઉપાડી હતી અને તે પછી બેટિંગમાં 43 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ ઍ મેચ 3 વિકેટે જીતી હતી. હવે ચાહકો મંગળવારની મેચમાં ફરી ઍકવાર કોહલી પાસે આવા જ પરિણામની આશા રાખી રહ્યા છે.