જયપુર : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર મહિલા આઇપીઍલની આજની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટન ઇનિંગના પ્રતાપે ટ્રેલબ્લેઝર્સે મુકેલા 141 રનના લક્ષ્યાંક સામે હરમનપ્રીત કૌરની સુપરનોવા 20 ઓવરમાં 6 વિકેટે 138 રન જ કરી શકતાં મંધાનાની ટીમ 2 રને જીતી હતી.\
કેપ્ટન સ્મૃતિ મંધાનાઍ જોરદાર બેટિંગ કરીને 67બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 90 રન કર્યા
આ પહેલા સુપરનોવાની કેપ્ટન હરમનપ્રીતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટ્રેલબ્લેઝર્સની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે બીજી ઓવરમાં જ ઓપનર સુજી બેટ્સની વિકેટ ગુમાવી દીધી હતી, તે પછી મંધાનાઍ હરલીન સાથે મળીને બાજી સંભાળી હતી અને બંને વચ્ચે 119 રનની ભાગીદારીઍ ટીમને 140 રનના સ્કોર પર મુકી હતી. હરલીન 19મી ઓવરમાં 44 બોલમાં 36 રન કરીને આઉટ થઇ હતી અને તે પછી 20મી ઓવરના બીજા બોલે મંધાના પણ 67બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 90 રન કરીને આઉટ થઇ હતી. 20 ઓવરના અંતે ટ્રેલબ્લેઝર્સે 5 વિકેટે 140 રન બનાવ્યા હતા.
141 રનના લક્ષ્યાંક સામે બીજી ઓવરમાં જ પ્રિયા પુનિયા આઉટ થતાં સુપરનોવાની શરૂઆત ખરાબ રહી હતી, તે પછી જેમિમાઍ ચમારી અટ્ટાપટ્ટુ સાથે 49 રનની ભાગીદારી કરી હતી. તે પછી તેમણે ઝડપભેર 3 વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 4 વિકેટે 74 રન થયો હતો. તે પછી સોફી ડિવાઇન સાથે હરમનપ્રીત કૌરે 48 રનની ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરમાં 19 રન કરવાના આવ્યા હતા, જેમાં હરમને 5 બોલમાં 4 ચોગ્ગા ફટકારી દીધા હતા પણ અંતિમ બોલે તે ફટકો મારી શકી નહોતી અને તાહુહુ રનઆઉટ થતા તેઓ 2 રને હાર્યા હતા.