લંડન : આગામી 30મી મેથી ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે બુધવારે યજમાન ઇંગ્લેન્ડે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. ટીમનું સુકાન ઇયોન મોર્ગનને સોંપાયું છે, જ્યારે જોસ બટલરનો આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સમાવેશ કરાયો છે. 15 સભ્યોની આ ટીમમાં જાફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનને જો કે સ્થાન મળ્યું નથી. આર્ચરને પાકિસ્તાન સામે વર્લ્ડ કપ પહેલા શરૂ થનારી વનડે સિરીઝની ટીમમાં સામેલ કરાયો છે. જો તે પાકિસ્તાન સામે રમશે તો આર્ચર પહેલીવાર ઇંગ્લેન્ડ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમશે.
જોર્ડન-આર્ચર પાકિસ્તાન સામે સારો દેખાવ કરશે તો તેમના નામ પર વિચાર થઇ શકશે : ઇડ સ્મીથ
ઇંગ્લેન્ડના મુખ્ય પસંદગીકાર ઇડ સ્મીથે કહ્યું હતું કે આર્ચર અને જોર્ડન માટે હજુ વર્લ્ડ કપ માટેના દરવાજા બંધ નથી થયા, જો આ બંને વર્લ્ડ કપ પહેલા રમાનારી પાકિસ્તાન સામેની વનડે સિરીઝમાં જારદાર પ્રદર્શન કરશે તો તેમના નામ પર ફેર વિચારણા કરવામાં આવશે. ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની વનડે સિરીઝ ૧૯મી મેના રોજ પુરી થશે.
વર્લ્ડ કપ માટેની ઇંગ્લેન્ડની ટીમ : ઇયોન મોર્ગન (કેપ્ટન), જાની બેયરસ્ટો, મોઇન અલી, જાસ બટલર (વિકેટકીપર), ટોમ કરેન, જાય ડેનલી, ઍલેક્સ હેલ્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જા રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.