ભારતીય ટીમે શિખર ધવનની સદી અને વિરાટ કોહલી તેમજ રોહિત શર્માની અર્ધસદી ઉપરાંત અન્ય બેટ્સમેનોના જારદાર પ્રદર્શનની મદદથી રવિવારે અહીં વર્લ્ડ કપની મેચમાં 5 વિકેટે 352 રન બનાવીને ઓસ્ટ્રેલિયા સામે 353 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 316 રને ઓલઆઉટ થતાં ભારતીય ટીમ 36 રને વિજેતા બની હતી. મેચમાં જારદાર સદી ફટકારનાર શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
મેન ઓફ ધ મેચ ધવને વર્લ્ડ કપની ત્રીજી સદી ફટકારવા સાથે જ રોહિત સાથે 127 રનની ભાગીદારી કરી
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરનારી ભારતીય ટીમને શિખર ધવન અને રોહિત શર્માઍ પહેલી વિકેટની ભાગીદારીમાં 127 રન ઉમેરીને જોરદાર શરૂઆત આપી હતીઆ બંનેઍ 16મી વાર શતકીય ભાગીદારી કરી હતી. રોહિત 57 રન કરીને આઉટ થયો હતો. તે પછી ધવન સાથે વિરાટ કોહલી જાડાયો હતો અને બંનેઍ મળીને 93 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ધવને પોતાની વનડે કેરિયરની 17મી અને વર્લ્ડ કપની ત્રીજી સદી ફટકારી હતી. તે 117 રન કરીને આઉટ થયો હતો.
બેટિંગમાં પ્રમોટ થયેલા હાર્દિકે ૨૭ બોલમાં ૪૮ રનની ઇનિંગ રમી
ધવન આઉટ થયા પછી બેટિંગમાં પ્રમોટ કરાયેલો હાર્દિક પંડ્યા આવ્યો હતો અને તેણે પોતાને સોંપાયેલી જવાબદારીનું વહન કરીને માત્ર 27 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 48 રન કરીને આઉટ થયો હતો. વિરાટ 77 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 82 રન કરીને આઉટ થયો હતો જ્યારે ધોની 27 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં રાહુલે ઍક છગ્ગો અને ઍક ચોગ્ગો ફટકાર્યા હતા અને તેના પરિણામે સ્કોર 352 પર પહોંચ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ઍલેક્સ કેરીની અર્ધસદી ટીમને જીતાડી ન શકી
353 રનના લક્ષ્યાંક સામે ઍરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે મળીને 61 રનની ભાગીદારી કરી હતી. આ સ્કોર પર ફિન્ચ અંગત 36 રન કરીને આઉટ થયો હતો. તે પછી વોર્નર અને સ્મીથે મળીને 72 રનની ભાગીદારી કરી હતી, તે પછી વોર્નર ચહલના બોલે બાઉન્ડરી પર કેચ આઉટ થયો હતો. 133 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાઍ બીજી વિકેટ ગુમાવી હતી. સ્મિથે તે પછી ઉસ્માન ખ્વાજા સાથે 69 રની ભાગીદારી કરી હતી. ખ્વાજા 39 બોલમાં 42 રન કરીને આઉટ થયો હતો અને તે પછી સ્મિથ અને સ્ટોઇનિશ પણ આઉટ થતાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટે 238 રન થયો હતો. જાખમી જણાતો મેક્સવેલ પણ તરત જ આઉટ થયો હતો. તે પછી નિયમિત સમયાંતરે ઓસ્ટ્રેલિયા વિકેટ ગુમાવતું રહ્યું હતું. ઍલેક્સ કેરીઍ આ દરમિયાન 25 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી અને અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 316 રને ઓલઆઉટ થઇ હતી. ભારતીય ટીમ વતી જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 3-3 જ્યારે યજુવેન્દ્ર ચહલે 2 વિકેટ ઉપાડી હતી. મેચમાં જોરદાર સદી કરનાર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.