ઇંગ્લેન્ડ સામેની રવિવારે રમાયેલી મેચમાં હાર પછી મંગળવારે ભારતીય ટીમ જ્યારે અહીં ફરી ઍકવાર બાંગ્લાદેશ સામે મેદાને ઉતરશે ત્યારે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે વિજય મેળવવો જરૂરી હોવાથી અંતિમ ઇલેવનમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. આ તરફ બાંગંલાદેશે પણ સેમી ફાઇનલની રેસમાં પોતાને જાળવી રાખવા માટે વિજય મેળવવો જરૂરી હોવાથી તે પણ પોતાના તરફથી કોઇ કસર બાકી નહીં રાખે અને તેના કારણે આવતીકાલની આ મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે.
બાંગ્લાદેશે પહેલીવાર વર્લ્ડ કપના અંતિમ ચારમાં પહોંચવા માટે પોતાની બાકી બચેલી બંને મેચ જીતવી જરૂરી છે. ઇંગ્લેન્ડ સામેના પરાજય પછી ભારતીય ટીમને તૈયારી માટે માત્ર ઍક દિવસ જ મળ્યો છે અને હવે તેમનો સામનો ઍવી ટીમ સામે છે જેની પાસે શાકિબ અલ હસન જેવો નંબર વન અોલરાઉન્ડર છે. ભારતીય ટીમ માટે મહત્વની વાત ઍ છે કે બાંગ્લાદેશની બોલિંગ ઇંગ્લેન્ડ જેટલી ધારદાર નથી. તેમજ તેઓ શાકિબ પર વધુ પડતા નિર્ભર છે. શાકિબે આ ટુર્નામેન્ટમાં 476 રન બનાવવાની સાથે 10 વિકેટ પણ ઉપાડી છે. બોલિંગ બાંગ્લાદેશ માટે કમજોર કડી છે ઍ સ્થિતિમાં અહીની સપાટ વિકેટ પર પહેલા બેટિંગ લેવી સારી રહી શકે છે.