રવિવારે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મહત્વની મેચમાં એકતરફ યજમાન ટીમ માટે આ વર્લ્ડ કપમાં વિજય જરૂરી છે જ્યારે બીજી તરફ ટી ઇન્ડિયા આવતીકાલની આ મેચ જીતીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરવાનો ઇરાદો ધરાવે છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે અને એકપણ મેચ હાર્યા વગર 11 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ પ્રવેશના ઉંબરે ઉભી છે અને ઇંગ્લેન્ડ સામેન જીત પોઇન્ટ ટેબલમાં તેના સ્થાનને વધુ મજબૂત બનાવી દેશે.
જો ભારતીય ટીમ જીતશે તો ટુર્નામેન્ટ પહેલા પ્રબળ દાવેદાર ગણાતી યજમાન ઇંગ્લેન્ડની ટીમ માટે સેમી ફાઇનલ પ્રવેશના દરવાજા લગભગ બંધ થઇ જશે. શરૂઆતની મેચોમાં વિજય મેળવીને મજબૂત શૂઆત કરનારી ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાની સામે હારી તે પછી તેમની સ્થિતિ બગડી ગઇ છે. તેના 7 મેચમાં માત્ર 6 જ પોઇન્ટ છે અને તે એક પરાજય સાથે ટુર્નામેન્ટમાંથી આઉટ થવાના આરે છે.
તાજેતરના વર્ષોની સૌથી મજબૂત ગણાતી ઇંગ્લેન્ડની ટીમ આમ આઉટ થવાના આરે આવી ગઇ એ તેમની કમનસીબી જ છે. ભારતીય ટીમ ફુલ ફોર્મમાં છે અને તે ઇંગ્લેન્ડને હરાવે તેવા પુરા સંજોગ છે. કારણ ઇંગ્લેન્ડની ટીમ પ્રેશરમાં છે અને પ્રેશરમાં તેમના પ્રદર્શન પર અસર પડે છે. વળી ભારતની સ્પિન બેલડી યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સાથે જસપ્રીત બુમરાહ અને મહંમંદ શમીનો સામનો કરવો તેમના માટે સમસ્યારૂપ સાબિત થઇ શકે છે.
ઇંગ્લેન્ડની ટીમ એ વાતે રાહત લઇ શકે છે કે તેમણે પોતાના ઘરઆંગણે છેલ્લી દ્વિપક્ષિય સિરીઝમાં 2-1થી વિજય મેળવ્યો હતો. જો કે તે સમયે ટીમમાં બુમરાહ નહોતો. મહંમદ શમીએ જો કે એવું કહી દીધું છે કે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે કોઇ મોટી વ્યુહરચના નહીં બનાવેતેણે કહ્યું હતુ કે હરીફ ટીમ સામે વધુ વિચારવાને બદલે સારી વાત એ ગણાશે કે અમે અમારા પોતાના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરીએ.