સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયેલી બે ટીમ અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ આવતીકાલે અહીં જ્યારે વર્લ્ડ કપમાં સામસામે આવશે ત્યારે અફઘાનિસ્તાનનો પ્રયાસ વર્લ્ડ કપમાં પહેલો વિજય મેળવવવાનો રહેશે જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે રમશે. અફઘાનિસ્તાને સ્ટાર ખેલાડીઅોથી ભરેલી વેસ્ટઇન્ડિઝની ટીમને ગત વર્ષે હરારેમાં વર્લ્ડકપ ક્વોલિફાયરમાં બે વાર હરાવી હતી.
હાલના વર્લ્ડ કપમાં કેટલીક મોટી ટીમો સામે સારું પ્રદર્શન કરી ચુકેલી અફઘાનિસ્તાનની ટીમે ઍ સાબિત કરી દીધું છે કે હવે તે નબળી ટીમ નથી. તેણે ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને ટક્કર આપી છે. આ તમામ ટીમો અફઘાનિસ્તાનની આક્રમક બોલિંગ સામે ઝઝુમતી દેખાઇ હતી. મહંમદ નબી, મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાનની સ્પિન બોલિંગ સામે રીતસર તેમણે સુરક્ષાત્મક અભિગમ અપનાવવો પડ્યો હતો.
વેસ્ટઇન્ડિઝ માટે ટુર્નામેન્ટમાં ત્રીજીવાર ઍવું થયું કે તે વિજયની નજીક પહોંચીને હારી ગયું. સોમવારે શ્રીલંકાની સામે મેચ પહેલા ડિફેન્ડીંગ ચેમ્પિયન અોસ્ટ્રેલિયાને હરાવતા રહી ગયું હતું અને તે પહેલા ન્યુઝીલેન્ડ સામે અંતિમ અોવરોમાં તે નજીવા માર્જીનથી હાર્યુ હતું. હવે જાઇઍ આવતીકાલની મેચમાં કોણ બાજી મારે છે.