સ્કેટિંગ ચેમ્પિયનથી જોરદાર સ્ટાઇલિશ ક્રિકેટર બનવું અને તે પછી ટી-20 અને વનડે ઍમ બે વર્લ્ડ કપમાં હીરો સાબિત થયા પછી તરત જ કેન્સર સામે ઝઝુમીને તેને પછાડવું. ટોચના ઘણાં ક્રિકેટરોની જેમ જ યુવરાજ સિંહની કેરિયર પણ રોલર કોસ્ટરની જેમ ઉતાર ચઢાવવાળી રહી છે. યુવરાજે ભલે સોમવારે નિવૃત્તિ જાહેર કરી દીધી હોય પણ તેની કેટલીક ઇનિંગો અને કિસ્સાઓને હંમેશા યાદ રાખવામાં આવશે.
મેચ બીજી પણ પહેલી ઇનિંગમાં જ મેન ઓફ ધ મેચ
- અંડર-19 વર્લ્ડ કપમાં સારી રમતને કારણે ટીમ ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ટીમમાં સામેલ કરાયો, 2000ની સાલમાં આઇસીસી નોકઆઉટ ટ્રોફીમાં યુવરાજે કેન્યા સામેની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં વનડે ડેબ્યુની તક મળી, જા કે તે મેચમાં તેને બેટિંગ મળી નહોતી પણ આગલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે યુવરાજે 84 રનની ઇનિંગ રમી અને તેના કારણે તેને મેન ઓફ ઘ મેચ જાહેર કરાયો હતો. મેક ગ્રા, બ્રેટ લી અને જેસન ગિલેસ્પી જેવા બોલરોનો યુવા યુવરાજે મુકાબલો કરીને ભારતીય ટીમને મેચ જીતાડી હતી.
કૈફની સાથે મળીને રોબિન સિંહ-અજય જાડેજાનો વારસો સંભાળ્યો
- ભારતીય ટીમની ફિલ્ડીંગ શરૂઆતમાં ઍટલી ખાસ નહોતી. તે પછી 1989માં ડેબ્યુ કરનારા રોબિન સિંહ અને અજય જાડેજાની સાથે મળીને ફિલ્ડીંગમાં કમાલ બતાવવાનું શરૂ કર્યુ હતું. આ બંનેની જવાબદારી તે પછી યુવા ખેલાડીઓમાં યુવરાજ સિંહ અને મહંમદ કૈફે સંભાળી લીધી હતી. 2000ની સાલમાં જ્યારે ભારતીય ખેલાડીઓ ધીમા ફિલ્ડર ગણાતા હતા ત્યારે યુવી અને કૈફ નવો અવતાર લઇને સામે આવ્યા હતા. આ બંને વચ્ચે અંડર-19 વર્લ્ડ કપથી જ સારો તાલમેલ હતો. મહાન ફિલ્ડર ગણાતા જાન્ટી રોડ્સનું માનવું છે કે આ બંને ખેલાડીઓઍ જ ટીમ ઇન્ડિયાની ફિલ્ડીંગની ઇમેજ બદલી નાંખી હતી.
ફિલન્ટોફનો ગુસ્સો ઉતર્યો સ્ટુઅર્ટ બ્રોડ પર અને ફટકાર્યા 6 છગ્ગા
- 2007માં જ્યારે વર્લ્ડ ટી-20માં ઇંગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે મેચ રમાઇ રહી હતી. ત્યારે યુવરાજ અને ધોની બેટિંગ કરતાં હતા અને ફિલન્ટોફે યુવરાજ સિંહને કંઇ બોલીને છંછેડ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ કે અમ્પાયરે દરમિયાનગીરી કરી, તે પછી યુવરાજે પોતાનો આક્રોશ બેટ વડે વ્યક્ત કરીને સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 1 પછી ઍક 6 છગ્ગા વિંઝી દીધા હતા. યુવરાજે તેની સાથે જ 12 બોલમાં અર્ધસદી ફટકારી હતી અને આ બંને રેકોર્ડ આજે પણ અકબંધ છે.