રોનાલ્ડોના ફેન્સ માટે રાહતના સમાચાર! ઈજા છતાં ફિફા વર્લ્ડ કપ 2026 માં રમશે સીઆર-7
ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાઉદી ક્લબ અલ નાસરે મંગળવારે પુષ્ટિ કરી છે કે રોનાલ્ડોને હેમસ્ટ્રિંગ ટેન્ડનમાં ઈજા થઈ છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઈજા બહુ ગંભીર નથી અને તે આગામી 2026 FIFA વર્લ્ડ કપ રમી શકશે.
મેદાન પરની પીડા અને રિકવરી પ્લાન
શનિવારે અલ ફાયહા સામેની મેચમાં અલ નાસરે 3-1થી જીત મેળવી હતી, પરંતુ આ મેચ રોનાલ્ડો માટે મિશ્ર લાગણીઓવાળી રહી હતી. મેચની 12મી મિનિટે તેણે પેનલ્ટી ગુમાવી હતી અને 81મી મિનિટે તે ઈજાના કારણે દર્દમાં જોવા મળ્યો હતો. તેણે પોતે જ બેન્ચ તરફ ઈશારો કરીને મેદાન છોડવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેના સ્થાને અબ્દુલ્લા અલ-હમદાનને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.
સાઉદી પ્રો લીગના નિવેદન અનુસાર, રોનાલ્ડોએ હાલમાં રિહેબિલિટેશન પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. તબીબી અહેવાલો મુજબ, તે 2 થી 4 અઠવાડિયા સુધી રમતથી દૂર રહી શકે છે, પરંતુ 11 જૂનથી શરૂ થતા વર્લ્ડ કપ પહેલા તે સંપૂર્ણ ફિટ થઈને મેદાનમાં વાપસી કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
અલ નાસર અને પોર્ટુગલ માટે ફટકો
રોનાલ્ડો અત્યારે અલ નાસર માટે શાનદાર ફોર્મમાં છે અને આ સિઝનમાં તેણે 21 ગોલ ફટકાર્યા છે. માર્ચ મહિનામાં તેની ટીમનો સામનો નિયોમ SC અને કેએલ ખલીજ સામે થવાનો છે, જેમાં રોનાલ્ડોની ગેરહાજરી વર્તાશે. આ ઉપરાંત, આ મહિનાના અંતમાં પોર્ટુગલની ટીમ મેક્સિકો અને USA સામે ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ રમવાની છે, જેમાં પણ રોનાલ્ડો રમે તેવી શક્યતા નહિવત છે.
ફૂટબોલર હવે બન્યો બિઝનેસમેન: સ્પેનિશ ક્લબમાં ખરીદી હિસ્સેદારી
મેદાન પરના સંઘર્ષ વચ્ચે રોનાલ્ડોએ એક મોટા સમાચાર આપ્યા છે. તેણે સ્પેનિશ સેકન્ડ-ડિવિઝન ક્લબ અલ્મેરિયા માં હિસ્સેદારી ખરીદી છે. રોનાલ્ડોએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “મેદાનની બહાર પણ ફૂટબોલમાં યોગદાન આપવું એ મારું લાંબા સમયનું સપનું હતું. અલ્મેરિયા એક એવું ક્લબ છે જેનો પાયો મજબૂત છે અને તેમાં પ્રગતિ કરવાની અપાર ક્ષમતા છે.”
નોંધનીય છે કે અલ્મેરિયા ક્લબ છેલ્લા છ વર્ષથી સાઉદી માલિકોના નિયંત્રણ હેઠળ છે. 2025માં મોહમ્મદ અલ-ખેરીજી આ ક્લબના નવા માલિક અને પ્રેસિડેન્ટ બન્યા હતા. અલ-ખેરીજીએ રોનાલ્ડોના આ રોકાણને આવકારતા કહ્યું હતું કે, “અમને આનંદ છે કે ક્રિસ્ટિયાનોએ અમારા ક્લબમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે. તે સ્પેનિશ લીગને સારી રીતે જાણે છે અને તે અમારી ટીમ અને એકેડેમીની ક્ષમતાને સમજે છે.”

