CSKને લાગ્યો મોટો ઝટકો: IPL 2026ની શરૂઆતી મેચોમાંથી બહાર થઈ શકે છે એમએસ ધોની
આઈપીએલ 2026ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને એમએસ ધોનીના ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. સીએસકેના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમએસ ધોની ઈજાના કારણે આ સીઝનની શરૂઆતની કેટલીક મેચો ગુમાવી શકે છે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે, જેનાથી ચાહકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈજાના કારણે ધોની બે અઠવાડિયા રહેશે બહાર
ચેન્નાઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે, ધોની હાલમાં ‘કાફ સ્ટ્રેઈન’ (પિંડલીના સ્નાયુઓમાં ખેંચાણ)ની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. હાલમાં તે રિહેબિલિટેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ફ્રેન્ચાઈઝીના જણાવ્યા અનુસાર, આ ઈજાને કારણે ધોની આઈપીએલ 2026ના શરૂઆતના બે અઠવાડિયા સુધી મેદાનમાં ઉતરી શકશે નહીં. સીએસકેએ તેની પોસ્ટમાં લખ્યું, “ધોની જલ્દી સાજો થઈ જાય તેવી અમે આશા રાખીએ છીએ. ગેટ વેલ સૂન, થાલા!”
સીઝનની શરૂઆતી 4 થી 5 મેચો ગુમાવશે
આઈપીએલ 2026ના શિડ્યુલ મુજબ, શરૂઆતના બે અઠવાડિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સને કુલ ચાર મહત્વની મેચો રમવાની છે. 11 એપ્રિલ સુધીમાં ટીમની આ મેચો યોજાવાની છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો માની રહ્યા છે કે ધોની ઓછામાં ઓછી 4 થી 5 મેચોમાં ટીમનો હિસ્સો બની શકશે નહીં. આઈપીએલ 2026નો પ્રારંભ 28 માર્ચથી થઈ રહ્યો છે, જ્યારે ચેન્નાઈ તેની પ્રથમ મેચ 30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે.
ત્યારબાદ, 3 એપ્રિલે ચેન્નાઈમાં પંજાબ કિંગ્સ સામે, 5 એપ્રિલે બેંગલુરુમાં આરસીબી સામે અને 11 એપ્રિલે દિલ્હી સામે સીએસકેની ટક્કર થશે. આ તમામ મહત્વપૂર્ણ મુકાબલામાં ધોનીની ગેરહાજરી ટીમ માટે મોટો પડકાર બની શકે છે.
Official Statement
MS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.
Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi
— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026
વિકેટકીપિંગની જવાબદારી કોણ સંભાળશે?
એમએસ ધોની છેલ્લા કેટલાક વર્ષોથી ઘૂંટણની ઈજાથી પરેશાન હોવા છતાં ટીમ માટે રમતા રહ્યા છે. જોકે, આ વખતે તેમની ગેરહાજરીમાં વિકેટકીપિંગની ભૂમિકા કોણ ભજવશે તે મોટો પ્રશ્ન હતો. અહેવાલો મુજબ, આ સીઝનમાં સંજુ સેમસન ચેન્નાઈ માટે વિકેટકીપરની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે.
