પૂર્વ પ્રાથમિક શિક્ષણને મજબૂતી આપવા દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુધારણા
રાજ્ય સરકારના આઇ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોના સર્વાંગી સુધારા માટે સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ-૨૬” હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત આંગણવાડીઓને વધુ આકર્ષક, સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવી બાળકોને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા વેગવંતી કામગીરી શરૂ કરવામાં આવી છે.
માળખાકીય સુધારણા અને ભૌતિક સુવિધાઓ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૨૧ ઘટકોમાં આ કામગીરી ચાલી રહી છે. રાજ્ય અને જિલ્લા કક્ષાની વિવિધ ગ્રાન્ટના સમન્વયથી આંગણવાડીઓને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે:
-
સલામતી અને સુરક્ષા: કેન્દ્રોની ફરતે પ્રોટેક્શન વોલ (દિવાલ), બારી-બારણામાં મજબૂત જાળી અને નવા શૌચાલયોનું નિર્માણ.
-
નવીનીકરણ: છત પર ચાઇના મોજેક, જરૂરી મરામત અને રંગરોગાન દ્વારા ઇમારતોને જર્જરિત થતી અટકાવવી.
-
સ્વચ્છતા: દરેક કેન્દ્ર પર સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરવું.
બાળ મૈત્રીપૂર્ણ અને શૈક્ષણિક વાતાવરણ
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આંગણવાડી પ્રત્યે આકર્ષિત કરવાનો છે. આ માટે કેન્દ્રોની દિવાલો પર આકર્ષક અને શૈક્ષણિક ચિત્રો (Building as Learning Aid – BALA) દોરવામાં આવી રહ્યા છે. આ કલરફુલ વાતાવરણમાં બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ બોજ વગર, હસતા-રમતા મેળવી શકશે.
ટીમ વર્ક અને અમલીકરણ
દાહોદ આઇ.સી.ડી.એસ. ટીમ ૨૧ ઘટકોમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓના માધ્યમથી કેન્દ્ર દીઠ કામગીરીનું મોનિટરિંગ કરી રહી છે. આ ઝુંબેશથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ આંગણવાડીઓ આધુનિક બનશે, જેનાથી બાળકોની હાજરીમાં વધારો થશે અને પાયાનું શિક્ષણ વધુ મજબૂત બનશે.
દાહોદ જિલ્લા વહીવટી તંત્રની આ સક્રિયતાને કારણે આગામી સમયમાં આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્ર જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટેના શ્રેષ્ઠ વિદ્યાધામ તરીકે ઉભરી આવશે.

