ડેલ સ્ટેને IND vs NZ ફાઈનલને લઈને કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું- ‘જો આ ટીમ હારી તો તેને આપી દઈશ ચોકર્સનો ટેગ’
T20 WC Final: ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે રમાશે. અમદાવાદમાં રમાનારા આ મહામુકાબલા પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ ફાઈનલ મેચને લઈને અત્યારે આખા ક્રિકેટ જગતમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન ડેલ સ્ટેને ન્યુઝીલેન્ડની ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે. સ્ટેને કહ્યું છે કે જો ન્યુઝીલેન્ડની ટીમ આ ફાઈનલમાં ભારતને હરાવી શકતી નથી, તો તે હવે ‘ચોકર્સ’નો ટેગ દક્ષિણ આફ્રિકા પાસેથી લઈને ન્યુઝીલેન્ડને આપી દેશે. સામાન્ય રીતે આઈસીસી ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં દબાણ ન ઝીલી શકવાને કારણે દક્ષિણ આફ્રિકાને ‘ચોકર્સ’ કહેવામાં આવે છે, પરંતુ સ્ટેન મુજબ હવે આ હાલત ન્યુઝીલેન્ડની પણ છે.
સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની હાર બાદ સ્ટેનનું નિવેદન
આ વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. તે મેચમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે માત્ર 12.5 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાને આ મેચમાં 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર રોળાઈ ગયું હતું. પોતાની ટીમની આ હાર બાદ ડેલ સ્ટેને કિવી ટીમ પર નિશાન સાધ્યું છે.
ફાઈનલ મુકાબલાને લઈને ડેલ સ્ટેને શું કહ્યું?
IND vs NZ ફાઈનલ મેચ પહેલા ડેલ સ્ટેને એબી ડી વિલિયર્સની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન કહ્યું કે, “જુઓ, સાચું કહું તો દરેક વ્યક્તિ દક્ષિણ આફ્રિકાને ‘ચોકર્સ’ કહેવાનું પસંદ કરે છે, પરંતુ હું હવે આ કહેવા જઈ રહ્યો છું – ન્યુઝીલેન્ડે પોતે વધુ વર્લ્ડ કપ જીત્યા નથી અને તેઓ અમારા કરતા વધુ વખત ફાઈનલમાં પહોંચ્યા છે. તેથી ન્યુઝીલેન્ડ, કોઈ ખોટું ન લગાડતા, પણ મહેરબાની કરીને આ મેચ જીતતા રહેજો.”
તેણે આગળ ઉમેર્યું કે, “જો ન્યુઝીલેન્ડ આ મેચ નહીં જીતે, તો હું ઔપચારિક રીતે ‘ચોકર્સ’નો ટેગ તમને આપી રહ્યો છું; તે હવે તમારો છે. મને ન્યુઝીલેન્ડની ટીમ પસંદ છે, પરંતુ તેઓ ભારતને હરાવી શકશે નહીં. ભારતને હરાવવા માટે ભારતે પોતે જ કંઈક મોટી ભૂલ કરવી પડશે. હું ખરેખર ઈચ્છું છું કે તેઓ જીતે, પણ શું મને લાગે છે કે તેઓ ભારતને હરાવી શકશે? ના.”

