‘બે-બે વિકેટકીપર જોઈએ’, અભિષેક શર્માએ અર્શદીપ સિંહને વાઈડ બોલ ફેંકવા બદલ કર્યો ટ્રોલ, વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર હાલમાં અભિષેક શર્માનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિષેક ખરાબ બોલિંગ માટે અર્શદીપ સિંહની મજાક ઉડાવતો અને તેને ટ્રોલ કરતો જોવા મળી રહ્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને બાદ કરતાં ભારતીય ટીમના બાકીના બોલરોની ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ જોરદાર ધોલાઈ કરી હતી. ખાસ કરીને અર્શદીપ સિંહે તેના ચાર ઓવરના સ્પેલમાં 51 રન ખર્ચ્યા હતા અને પાંચ વાઈડ બોલ ફેંક્યા હતા. આ નબળા પ્રદર્શનને લઈને હવે અભિષેક શર્માએ અર્શદીપની ખેંચાઈ કરી છે.
ટીમ બસમાં અભિષેક શર્માએ કરી અર્શદીપની ટાંગ ખેંચાઈ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અભિષેક શર્મા, ઈશાન કિશન, અર્શદીપ સિંહ અને સંજુ સેમસન ટીમ બસમાં બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અર્શદીપ સિંહ પહેલા અભિષેકને તેની ફિલ્ડિંગ માટે ‘નાઈસ ફિલ્ડિંગ’ કહીને છંછેડે છે, જેના જવાબમાં અભિષેક તરત જ અર્શદીપની બોલિંગ પર વળતો પ્રહાર કરે છે.
અભિષેક શર્માએ રમૂજી અંદાજમાં કહ્યું કે, “અર્શદીપ જ્યારે બોલિંગ કરે છે ત્યારે મેદાનમાં બે વિકેટકીપરની જરૂર પડે છે, કારણ કે તે હવે ઘણી વધારે વાઈડ ફેંકવા લાગ્યો છે.” આ સાંભળીને અર્શદીપે હસતા હસતા સંજુ સેમસન તરફ જોયું અને પૂછ્યું, “કેમ સંજુ ભાઈ, બે કીપર રાખી લઈએ?” ત્યારબાદ તેણે ઈશાન કિશન તરફ ઈશારો કરતા કહ્યું કે, “આપણી પાસે પ્લેઈંગ ઈલેવનમાં ઓલરેડી બે વિકેટકીપર તો છે જ.” નોંધનીય છે કે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સંજુ અને ઈશાન બંને રમી રહ્યા છે. ચાહકોને ખેલાડીઓ વચ્ચેની આ મસ્તી ખૂબ જ પસંદ આવી રહી છે.
Abhishek Sharma, Sanju Samson, Arshdeep Singh & Ishan kishan having fun while traveling to Mumbai to Ahmedabad for T20 World Cup Final vs New Zealand at Narendra Modi Stadium……Seemore
— MANU. (@IMManu_18) March 6, 2026
વર્લ્ડ કપમાં અભિષેક શર્માનું ફોર્મ ચિંતાનો વિષય
ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું બેટ હજુ સુધી જોઈએ તેવું ચાલ્યું નથી. ઝિમ્બાબ્વે સામેની 55 રનની ઈનિંગને બાદ કરતાં બાકીની તમામ મેચોમાં અભિષેક ફ્લોપ રહ્યો છે. સેમીફાઈનલ જેવી મહત્વની મેચમાં પણ તે માત્ર 7 બોલમાં 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
