‘મારે બસ ઘરે જવું છે’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભારતબાં ફસાયેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ, ડેરેન સેમીએ વ્યક્ત કરી પીડા
T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થયા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વેસ્ટ ઇન્ડીઝના મુખ્ય કોચ ડેરેન સેમીની એક ટૂંકી પણ અત્યંત ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. સેમીએ લખ્યું, “મારે બસ હવે ઘરે જવું છે.” આ ચાર શબ્દોએ માત્ર વેસ્ટ ઇન્ડીઝના ફેન્સ જ નહીં, પણ તમામ ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે.
કેમ ભારતમાં ફસાઈ વેસ્ટ ઇન્ડીઝની ટીમ?
ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારતથી પરત ફરવાનું હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય એરસ્પેસ (Airspace) પરના પ્રતિબંધોને કારણે તેમની વાપસીમાં વિલંબ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ટીમ કોલકાતામાં ફસાયેલી છે.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (CWI) એ સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરી છે કે ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા વિવાદ અને સુરક્ષાના કારણોસર હવાઈ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. મધ્ય પૂર્વ અને ગલ્ફ એર કોરિડોરમાં લશ્કરી કાર્યવાહી અને સુરક્ષાના જોખમોને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા તેમના રૂટ બદલવામાં આવ્યા છે. આ જ કારણ છે કે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ અને સ્ટાફ ઈચ્છવા છતાં ઉડાન ભરી શકતા નથી.
ડેરેન સેમીની નિરાશા અને માનસિક થાક
ડેરેન સેમીની પોસ્ટ માત્ર એક હાર પછીની પ્રતિક્રિયા નથી, પરંતુ અનિશ્ચિતતા અને ઘરથી દૂર રહેવાના થાકની રજૂઆત છે. લાંબી ટૂર્નામેન્ટ અને પ્રવાસ બાદ જ્યારે ખેલાડીઓ માનસિક રીતે થાકેલા હોય છે, ત્યારે ઘરે જવાની ઈચ્છા સૌથી પ્રબળ હોય છે. સેમી જેવા શાંત અને લડાયક વ્યક્તિત્વ ધરાવતા કોચ જ્યારે આવી પોસ્ટ કરે, ત્યારે સમજાય છે કે સ્થિતિ કેટલી ગંભીર અને કંટાળાજનક હશે.
I just wanna go home
— Daren Sammy (@darensammy88) March 5, 2026
માત્ર વેસ્ટ ઇન્ડીઝ જ નહીં, પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ પર પણ આ એવિએશન કટોકટીની અસર પડી છે, જે દર્શાવે છે કે આ કોઈ એક ટીમની લોજિસ્ટિક્સ સમસ્યા નથી પણ વૈશ્વિક સંકટની અસર છે.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ અને ICC એક્શનમાં
CWI એ ખાતરી આપી છે કે તમામ ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ સુરક્ષિત છે અને તેમને હાલમાં સુરક્ષિત રીતે હોટલમાં રાખવામાં આવ્યા છે. બોર્ડ હાલમાં ICC અને સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે જેથી મુસાફરી માટે કોઈ નવો અને સુરક્ષિત માર્ગ શોધી શકાય.
At least an update, tell us something. Today tmw, next week. It’s been 5 days
— Daren Sammy (@darensammy88) March 5, 2026
ટીમ મેનેજમેન્ટની પ્રાથમિકતા ખેલાડીઓની સુરક્ષિત વાપસી છે. ત્યાં સુધી, ડેરેન સેમીની પોસ્ટ તે તમામ ખેલાડીઓની મનઃસ્થિતિનું વર્ણન કરે છે જેઓ મેદાન પરની હાર બાદ હવે કુદરતી કે રાજકીય સંકટને કારણે પોતાના પરિવારથી દૂર અટવાયેલા છે.
