પ્રીતિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ, જાણો કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ આપણી દિનચર્યા, વ્યવસાય અને માનસિક સ્થિતિ પર સીધી અસર કરે છે. આજે ૯ જૂન, ૨૦૨૬ ને મંગળવારના રોજ અધિક જેઠ માસની નૌમ તિથિ છે અને ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આકાશમાં પ્રીતિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ સંયોગો પણ બની રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે પ્રગતિના દ્વાર ખોલશે, તો બીજી તરફ અમુક રાશિઓ પર વિષ દોષની પ્રતિકૂળ અસરો જોવા મળશે.
આજનો દિવસ ખગોળીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઉતાર-ચઢાવ લઈને આવ્યો છે. ચંદ્રનું મીન રાશિમાં ગોચર અને તેની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થવું એ બજાર અને નોકરીયાત વર્ગ માટે મિશ્ર સંકેતો આપે છે. ચાલો જાણીએ મેષથી લઈને મીન સુધીની તમામ ૧૨ રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો નિવડશે અને તેમણે કઈ સાવચેતી રાખવી પડશે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે આજે ચંદ્ર બારમા ભાવમાં હોવાથી વિદેશી સંપર્કો અથવા આંતરરાષ્ટ્રીય વેપારમાં આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. વહીવટી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને નકારાત્મક વિચારો પરેશાન કરી શકે છે. વિષ દોષના પ્રભાવને લીધે બિઝનેસ મીટિંગ્સમાં કોઈ પણ મોટો નિર્ણય વડીલોની સલાહ વગર ન લેવો. નોકરીયાત વર્ગને કાર્યસ્થળ પર અવરોધોનો સામનો કરવો પડશે, તેથી ધીરજ અને સંયમ જાળવવો અનિવાર્ય છે. સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું.
વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ અને આનંદદાયક રહેશે. અગિયારમા ભાવમાં ચંદ્ર હોવાથી મોટી બહેન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથીની સલાહ વેપારમાં બમ્પર નફો અપાવશે. જે વેપારીઓ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે તેમના માટે બપોરે ૧૨:૧૫ થી ૨:૦૦ વાગ્યાનો સમય ઉત્તમ છે. ઓફિસમાં તમારા અગાઉના કામના ભરપૂર વખાણ થશે અને અટકેલા કાર્યો પૂરા થશે. મુસાફરી દરમિયાન સામાનની સંભાળ રાખવી.
મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકો આજે કાર્યક્ષેત્રમાં અદભુત ઉત્સાહ અનુભવશે. પ્રીતિ યોગના કારણે બજારની તમામ વ્યૂહરચનાઓ સફળ થશે અને તમે હરીફોને પાછળ છોડી દેશો. આજે કોઈ મોટો બિઝનેસ સોદો થવાની પ્રબળ શક્યતા છે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને મનપસંદ કંપનીમાંથી ઓફર આવી શકે છે. જો કે, ઓફિસમાં સહકર્મીઓના કામમાં વધુ પડતી દખલગીરી કરવાથી બચવું અને અનૈતિક પ્રલોભનોથી દૂર રહેવું.
કર્ક રાશિ (Cancer)
નવમા ભાવમાં ચંદ્ર હોવાને કારણે કર્ક રાશિના જાતકોનું ભાગ્ય આજે પુણ્ય કાર્યોથી ચમકશે. વેપારમાં કરેલું જૂનું રોકાણ આજે ફળદાયી સાબિત થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા નાણાં પરત મળવાથી કૌટુંબિક બિઝનેસને નવી ગતિ મળશે. નોકરી કરતા લોકો માટે ઓફિસમાં નવા સંપર્કો બનશે જે ભવિષ્યની કરિયર માટે માર્ગ મોકળો કરશે. કાર્યસ્થળે મિશ્ર પરિણામો છતાં એકંદરે દિવસ સારો રહેશે.
સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે. આઠમા ભાવનો ચંદ્ર અને વિષ દોષનો પ્રભાવ જૂની સમસ્યાઓને ફરીથી સપાટી પર લાવી શકે છે. બજારમાંથી સમયસર પેમેન્ટ ન મળવાને કારણે આર્થિક ખેંચતાણ અનુભવાશે. ઓફિસમાં કામનો બોજ એટલો વધારે રહેશે કે સાંજ સુધીમાં ભારે થાક લાગશે. કાર્યસ્થળે તમારી પ્રામાણિકતા પર સવાલ ઉઠી શકે છે, જેનાથી મનમાં નોકરી છોડવાના વિચારો આવે. બોસ સાથે વાદ-વિવાદ ટાળવો.
કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકોને આજે વેપારમાં ભાગીદારો સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. જો કે, શુભ યોગોના કારણે તમારા વ્યવસાયિક પ્રયાસો સફળ થશે અને બજારના ઉતાર-ચઢાવથી ડરવાની જરૂર નથી. નોકરીયાત લોકોને આજે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની આગેવાની મળી શકે છે. પરિવાર સાથે સાંજનો સમય હાસ્ય-મજાકમાં પસાર થવાથી માનસિક શાંતિ મળશે.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકોએ આજે જાણીતા અને અજાણ્યા શત્રુઓથી સાવધ રહેવું પડશે. છઠ્ઠા ભાવમાં ચંદ્ર હોવાથી કૌટુંબિક વાતાવરણમાં શાંતિ જાળવવા ગુસ્સા પર કાબૂ રાખવો. આજે કોઈ મોટા ઔદ્યોગિક ગૃહ સાથે મુલાકાત થવાથી વેપાર વધારવાની નવી તકો મળશે. પ્રોપર્ટીના બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે. નોકરી કરતા લોકોને વિદેશ યાત્રાની તક મળી શકે છે, પરંતુ કોઈપણ નવા કાર્યનું આયોજન આજે મુલતવી રાખવું સારું રહેશે.
વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા આપનારો છે. પાંચમા ભાવમાં ચંદ્ર હોવાથી કરિયરમાં પરિવર્તનની યોજનાઓ સફળ થશે. નવા સ્ટાર્ટઅપ માટે મોટા રોકાણકારો મળી શકે છે. બજારમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને સરકારી ટેન્ડરો મેળવવામાં સફળતા મળશે. ઓફિસમાં તમારી વિરુદ્ધ થતા કાવતરાં નિષ્ફળ જશે અને મેનેજમેન્ટ તરફથી તમને બોનસ કે એવોર્ડ મળી શકે છે.
ધન રાશિ (Sagittarius)
ધન રાશિના જાતકો માટે ચોથો ચંદ્ર કૌટુંબિક સુખ-સુવિધાઓમાં થોડો ઘટાડો લાવી શકે છે. વિષ દોષના પ્રભાવને લીધે વેપારીઓએ ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું, નહિતર મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. નોકરીયાત વ્યાવસાયિકોને ઓફિસમાં કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ નડશે. આજે બીજા પર ભરોસો રાખવાને બદલે પોતાના પાવર પર કામ કરવું. વિદ્યાર્થીઓ અને રમતવીરો માટે કંઈક નવું શીખવાનો દિવસ છે.
મકર રાશિ (Capricorn)
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ત્રીજા ભાવમાં ચંદ્ર હોવાથી ભાઈ-બહેનો અને સંબંધીઓનો પૂરો સહયોગ મળશે. ફાર્મા અને માઇનિંગના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને અણધાર્યો મોટો નફો થઈ શકે છે. કોઈ પ્રભાવશાળી રાજકારણીની મદદથી અટકેલા સરકારી કામો પૂરા થશે. નોકરીમાં કોઈપણ માનસિક તણાવ વગર તમે સરળતાથી કામ પૂરું કરી શકશો અને કાર્ય-જીવનનું સારું સંતુલન જાળવી શકશો.
કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે. પ્રીતિ યોગના પ્રભાવથી નોકરીમાં કોઈ મોટી સત્તા કે નવો અધિકાર મળવાથી મન પ્રસન્ન રહેશે. બજારમાં તમારી પ્રોડક્ટ્સ કે ઓફર્સ હરીફો કરતાં ચઢિયાતી સાબિત થશે, જેનાથી વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવશે. વર્કિંગ મહિલાઓને ઓફિસમાં સિનિયર્સ અને જુનિયર્સ તરફથી સંપૂર્ણ સપોર્ટ મળશે. કળા અને ડિઝાઈનિંગ ક્ષેત્રની મહિલાઓને મોટો બ્રેક મળી શકે છે.
મીન રાશિ (Pisces)
ચંદ્ર આજે તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોવાથી તમારી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય શક્તિ પરાકાષ્ઠા પર રહેશે. ઓફિસના કામમાં લાંબા સમયથી નડતા અવરોધો આજે હંમેશાં માટે દૂર થઈ જશે. ડિજિટલ માધ્યમો અને ફોન દ્વારા વેપારીઓને મોટા ઓર્ડર મળવાની પ્રબળ શક્યતા છે. માતા-પિતાના આશીર્વાદથી નવો બિઝનેસ ખીલશે. નોકરીયાત લોકોએ ઓફિસમાં વિરોધીઓની ગુપ્ત પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને પોતાના કામનું સ્વયં નિરીક્ષણ કરવું.



