અમેરિકી અદાલતનો ટ્રમ્પ પ્રશાસનને ઝટકો: H-1B વિઝા પર $૧ લાખની ફી લાદવાનો પ્રસ્તાવ ગેરકાયદેસર જાહેર
અમેરિકામાં સ્થાયી થવા અને ત્યાં કામ કરવાનું સપનું જોતા લાખો વિદેશી પ્રોફેશનલ્સ, ખાસ કરીને ભારતીય આઈટી (IT) નિષ્ણાતો માટે એક અત્યંત રાહતજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા ધારકો પર લાખો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ નાખવાના વિવાદિત પ્રસ્તાવ પર અમેરિકી અદાલતે લાલ આંખ કરી છે. કોર્ટે પ્રમુખ ટ્રમ્પના આ નિર્ણયને મોટો ઝટકો આપતા સ્પષ્ટ કર્યું છે કે કાયદાની મર્યાદા બહાર જઈને આવા આકરા નિયમો લાદી શકાય નહીં.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશી કામદારો પ્રત્યેની કડક નીતિઓને યુએસ ન્યાયતંત્ર તરફથી મોટો આંચકો લાગ્યો છે. H-1B વિઝા કાર્યક્રમ હેઠળ અન્ય દેશોમાંથી આવતા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકો પર $૧,૦૦,૦૦૦ (આશરે ૮૩ લાખ રૂપિયાથી વધુ) ની મસમોટી ફી લાદવાના ટ્રમ્પ પ્રશાસનના પ્રસ્તાવને યુએસ કોર્ટે સંપૂર્ણપણે અવરોધિત એટલે કે રદ કરી દીધો છે. બોસ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લીઓ સોરોકિને આ કેસમાં ચુકાદો આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, વહીવટી તંત્ર દ્વારા પ્રસ્તાવિત આ ફી વાસ્તવમાં એક ગેરકાયદેસર કર (Illegal Tax) સમાન છે, જેને અમેરિકી કોંગ્રેસ (સંસદ) દ્વારા ક્યારેય કોઈ કાનૂની મંજૂરી કે અધિકૃતતા આપવામાં આવી નથી.
કાનૂની લડાઈ પાછળનું મુખ્ય કારણ
આ વિવાદની શરૂઆત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થઈ હતી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નવી ફી નીતિની જાહેરાત કરી હતી. આ ભેદભાવપૂર્ણ નિર્ણય વિરુદ્ધ અમેરિકાના ૨૦ ડેમોક્રેટિક રાજ્યોના એટર્ની જનરલે ભેગા મળીને કોર્ટમાં એક મોટી કાનૂની અરજી દાખલ કરી હતી. મુકદ્દમામાં દલીલ કરવામાં આવી હતી કે આટલી મોટી રકમ ફી તરીકે વસૂલવાથી H-1B વિઝા મેળવવાનો અને અમેરિકામાં પ્રતિભાશાળી લોકોને નોકરી પર રાખવાનો ખર્ચ અસાધારણ રીતે વધી જશે. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખીને વિદેશી કામદારોની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેમનામાં સૌથી મોટી સંખ્યા ભારતીય ટેકનોક્રેટ્સ અને એન્જિનિયરોની છે.
ટ્રમ્પ પ્રશાસનનો દાવો અને રાષ્ટ્રીય સુરક્ષાનો તર્ક
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થક અધિકારીઓ સતત આ વિઝા પ્રક્રિયાનો વિરોધ કરતા આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસનની દલીલ એવી છે કે અમેરિકી કંપનીઓ H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ કરીને સ્થાનિક અમેરિકન કામદારોને નોકરીઓમાંથી બાજુ પર ધકેલી રહી છે. કંપનીઓ ઓછા વેતન પર વિદેશી કામદારોને રાખતી હોવાથી અમેરિકનો વિજ્ઞાન અને ટેકનોલોજી (STEM) ના ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવી શકતા નથી. ટ્રમ્પના મતે આ સ્થિતિ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે અને તે વૈશ્વિક સ્તરે વિજ્ઞાન ક્ષેત્રે અમેરિકાના સર્વોચ્ચ નેતૃત્વને નુકસાન પહોંચાડી રહી છે.
શું છે H-1B વિઝાનું ગણિત અને નિયમો?
H-1B વિઝા એ અમેરિકાનો એક અત્યંત લોકપ્રિય નોન-ઇમિગ્રન્ટ વિઝા કાર્યક્રમ છે. આ અંતર્ગત યુએસ સ્થિત કંપનીઓને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત જેવા જટિલ વિષયોમાં વિદેશના ઉચ્ચ શિક્ષિત અને કુશળ કામદારોને નોકરી પર રાખવાની સત્તાવાર પરવાનગી મળે છે. આ વિઝા મેળવવા માટે અરજદાર પાસે ઓછામાં ઓછી સ્નાતક (Bachelor’s Degree) કે તેનાથી ઉચ્ચ ડિગ્રી હોવી અનિવાર્ય છે.
આ વિવાદ વચ્ચે કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ કંપની જ્યારે બહારના દેશના કર્મચારીને રાખે છે, ત્યારે તેણે એક સત્તાવાર સોગંદનામું સબમિટ કરવું પડે છે. જેમાં ખાતરી આપવાની હોય છે કે H-1B કર્મચારીની ભરતીથી અમેરિકાના સ્થાનિક કામદારોના વેતન, ભથ્થાં કે કામ કરવાની પરિસ્થિતિઓ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
દર વર્ષે કેટલા વિઝા થાય છે જાહેર?
અમેરિકી નિયમો અનુસાર, H-1B વિઝા કાર્યક્રમ હેઠળ દર વર્ષે નિયમિત ક્વોટા અંતર્ગત ૬૫,૦૦૦ નવા વિઝા જારી કરવામાં આવે છે. આ ઉપરાંત, જે વિદેશી વ્યાવસાયિકોએ અમેરિકાની જ યુનિવર્સિટીઓમાંથી માસ્ટર્સ કે એડવાન્સ ડિગ્રી મેળવી હોય, તેમના માટે વધારાના ૨૦,૦૦૦ વિઝા અનામત રાખવામાં આવે છે. એટલે કે કુલ ૮૫,૦૦૦ લોકોને દર વર્ષે આ તક મળે છે, જે સામાન્ય રીતે ૩ થી ૬ વર્ષના સમયગાળા માટે માન્ય હોય છે. કોર્ટના આ આદેશ બાદ હવે લાખો વિદેશી પ્રોફેશનલ્સ પરથી આર્થિક તલવાર હટી ગઈ છે અને અમેરિકી કંપનીઓ પણ કોઈપણ વધારાના ટેક્સ વગર ગ્લોબલ ટેલેન્ટની ભરતી ચાલુ રાખી શકશે.

