Delhi news:
દિલ્હી સ્થિત એક ખાનગી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિરુદ્ધ NRI મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 14 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હી જિલ્લાના ચાણક્યપુરી વિસ્તારમાં સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં બની હતી.
પોલીસે જણાવ્યું કે ભારતીય મૂળના એક અમેરિકન નાગરિકે શનિવારે રાત્રે ફરિયાદ નોંધાવી, જેના આધારે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 376 (બળાત્કાર) હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીનો આરોપ છે કે તે કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતી હતી જેમાં આરોપી સીઈઓનું પદ સંભાળતો હતો.
ફરિયાદીએ જણાવ્યું કે આરોપી તેના એક સંબંધીનો ઓળખીતો હતો અને તેણે જ પીડિતાને નોકરી અપાવવામાં મદદ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.