‘ધુરંધર 2’ OTT રિલીઝ: નેટફ્લિક્સ નહીં પણ આ પ્લેટફોર્મ પર જોવા મળશે રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ
બોક્સ ઓફિસ પર ₹1000 કરોડનો આંકડો વટાવનાર વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘ધુરંધર 2’ ની ડિજિટલ રિલીઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે એવું વિચારતા હોવ કે ફિલ્મનો પહેલો ભાગ નેટફ્લિક્સ પર હતો એટલે બીજો ભાગ પણ ત્યાં જ આવશે, તો તમે ખોટા છો. અહેવાલો મુજબ, આ ફિલ્મ હવે ‘JioHotstar’ પર સ્ટ્રીમ થશે.
કેમ નેટફ્લિક્સ પાસેથી છીનવાઈ ગઈ આ ડીલ?
માહિતી મુજબ, નેટફ્લિક્સ આ ફિલ્મના બંને ભાગને ₹175 કરોડમાં ખરીદવા માંગતું હતું. પરંતુ જિયો સ્ટુડિયોઝને પોતાની ફિલ્મ પર પૂરો ભરોસો હતો, તેથી તેમણે રાહ જોઈ. પ્રથમ ભાગની ભવ્ય સફળતા બાદ, માત્ર બીજા ભાગ માટે જ તેમણે ₹150 કરોડની જંગી રકમમાં ડીલ ફાઈનલ કરી છે. આ રકમ નેટફ્લિક્સે પહેલા ભાગ માટે જે ચૂકવ્યા હતા તેના કરતા લગભગ બમણી છે.
છેલ્લા કેટલાક સમયથી OTT પ્લેટફોર્મ્સ ફિલ્મો ખરીદવામાં થોડા ધીમા પડ્યા છે, પરંતુ ‘ધુરંધર 2’ ની લોકપ્રિયતા અને જનતાની માંગને જોતા આટલી મોટી કિંમત ચૂકવવામાં આવી છે.
ગલ્ફ દેશોમાં પ્રતિબંધ છતાં ડિજિટલ દુનિયામાં દબદબો
એક રસપ્રદ વાત એ છે કે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને પાકિસ્તાન જેવા દેશોમાં સેન્સરના કારણે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નહોતી. તેમ છતાં, નેટફ્લિક્સ પર આ ફિલ્મે એટલો મોટો વ્યૂઅરશિપ આંકડો મેળવ્યો કે તે ત્યાંના રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઈ હતી. આ સાબિત કરે છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો ડિજિટલ પ્લેટફોર્મ ભૌગોલિક સીમાઓને પણ ઓગાળી શકે છે.
શું છે ફિલ્મની વાર્તા?
આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ સ્પાય થ્રિલર ફિલ્મમાં રણવીર સિંહની સાથે અક્ષય ખન્ના પણ મહત્વની ભૂમિકામાં છે. વાર્તા એક ભારતીય ઇન્ટેલિજન્સ એજન્ટની આસપાસ ફરે છે, જે એક ખતરનાક ગેંગમાં ઘૂસવા માટે અન્ડરકવર મિશન પર જાય છે. હાઈ-ઓક્ટેન એક્શન, રાજકીય ષડયંત્રો અને પાવરફુલ પરફોર્મન્સને કારણે દર્શકોએ આ ફિલ્મને માથે ઉચકી લીધી છે.

