ચૂંટણી પર્વ: આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાનનો પ્રારંભ; PM મોદીની વધુમાં વધુ મતદાન કરવા અપીલ
ભારતના બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આજે, ગુરુવાર (9 એપ્રિલ, 2026) ના રોજ વિધાનસભાની ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે અને આ તમામ બેઠકોનું પરિણામ આગામી 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.
રાજકીય જંગ: ક્યાં કોની વચ્ચે છે ટક્કર?
- આસામ: આસામની 126 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP) સતત ત્રીજી વખત સત્તા મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં છે.
- કેરળ: કેરળની 140 વિધાનસભા બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. અહીં મુખ્ય મુકાબલો સીપીઆઈ(એમ) ના નેતૃત્વ હેઠળના LDF, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF અને ભાજપના નેતૃત્વ હેઠળના NDA વચ્ચે છે.
- પુડુચેરી: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની 30 બેઠકો પર મતદાન ચાલુ છે. હાલમાં અહીં ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસ (AINRC) અને ભાજપના ગઠબંધનની સરકાર છે અને મુખ્યમંત્રી એન. રંગાસામી ફરીથી સત્તા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરાની કેટલીક બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. જોકે, ગોવાની પોંડા બેઠકની પેટાચૂંટણીને બોમ્બે હાઈકોર્ટે રદ કરી દીધી છે.
બારામતી પેટાચૂંટણી: સુનેત્રા પવારને બિનહરીફ ચૂંટવા રોહિત પવારની કોંગ્રેસને વિનંતી
મહારાષ્ટ્રના રાજકારણમાંથી પણ એક મહત્વના સમાચાર છે. બારામતી બેઠકની પેટાચૂંટણીમાં એનસીપી (એસપી) ના ધારાસભ્ય રોહિત પવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલ સાથે મુલાકાત કરી છે. રોહિત પવારે કોંગ્રેસને વિનંતી કરી છે કે તેઓ બારામતી બેઠક પરથી પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લે, જેથી તેમના કાકી અને એનસીપીના પ્રમુખ સુનેત્રા પવાર બિનહરીફ ચૂંટાઈ શકે.
નોંધનીય છે કે, જાન્યુઆરીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનને કારણે બારામતીની આ બેઠક ખાલી પડી હતી, જેના માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે. જોકે, કોંગ્રેસે શરત મૂકી છે કે જો અજિત પવારના અકસ્માત મામલે FIR નોંધવામાં આવે તો જ તેઓ મેદાનમાંથી ખસી જશે.

