હાલ ચોમાસાનો માહોલ છે અને દરિયામાં ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે દમણના જમપોર બીચ ઉપર દરિયા કિનારે ફરવા ગયેલા વાપીના બે સહેલાણીઓ દરિયામાં ન્હાવા પડતાં દરિયાના પાણીમાં ડૂબવા માંડતા તેઓએ કરેલી બૂમાબૂમ સાંભળી દરિયા કિનારે બેઠેલા અન્ય સહેલાણીઓને ધ્યાન જતા તેઓએ પણ બૂમાબુમ કરી મૂકીને માછીમારો તેમજ કોસ્ટ ગાર્ડની ટીમને મદદ માટે જાણ કરતા માછીમારોએ તરતજ પોતાની બોટ મારફતે બન્ને યુવકની શોધખોળ હાથ ધરીને એક યુવકનું રેસ્કયૂ કરી બચાવી લીધો હતો.
જોકે, અન્ય એક યુવક ન મળી આવતા કોસ્ટ ગાર્ડની ટીમે ચેતક હેલિકોપ્ટરથી મધદરિયે યુવકની શોધખોળ હાથ ધરી અન્ય યુવકનું પણ સફળતા પૂર્વક રેસ્ક્યૂ હાથ ધરતા બન્ને યુવકનો જીવ બચી ગયો હતો.
આ યુવકોમાં વાપીના 2 પર્યટક મેહુલ શેલેશ પટેલ(18 વર્ષ) અને રાહુલ નરેશ હળપતિ (16 વર્ષ)નો સમાવેશ થાય છે, હાલ બન્નેને મરવડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.