મુંબઇઃ સામાન્ય રીતે ભારતમાં પેન્શન મેળવવા માટે વ્યક્તિની ઉંમર 60 કે તેથી વધારે હોવી આવશ્યક છે. જો કે આજે અમે તમને એક એવી પેન્શન યોજના વિશે જણાવીશુ જેમાં તમારે પેન્શન માટે 60 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે અને 40 વર્ષથી પેન્શનનો લાભ માણી શકશો.
LICએ આ પ્લાનને સરલ પેન્શન યોજના નામ આપ્યું છે. આ એક સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન છે, જેમાં પોલિસી લેતી વખતે તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે. અને આ પછી તમે આજીવન પેન્શન મેળવશો. તે જ સમયે, પોલિસી ધારકના મૃત્યુ પર, સિંગલ પ્રીમિયમની રકમ તેના નોમિનીને પરત કરવામાં આવે છે. સરલ પેન્શન યોજના એ ઇમિડિએટ એન્યુટી પ્લાન છે, એટલે કે પોલીસી લેતા જ તમને પેન્શન મળવાનું શરૂ થઇ જાય છે. આ પોલીલી લીધા બાદ જેટલા પેન્શનની શરૂઆત થાય છે, એટલુ જ પેન્શન આજીવન મળે છે.
સિંગલ લાઇફ- તેમાં પોલીસી કોઇ એકના નામ પર રહેશે, જ્યાં સુધી પેન્શનધારક જીવંત રહેશે તેને પેન્શન મળતુ રહેશે. તેના મૃત્યુ બાદ બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીને પરત આપી દેવામાં આવશે.
જોઇન્ટ લાઇફ- તેમાં બંને જીવનસાથીનું કવરેજ થાય છે. જ્યાં સુધી પ્રાઇમરી પેન્શનધારક જીવંત રહેશે. તેને પેન્શન મળતુ રહેશે. તેના મૃત્યુ બાદ તેના જીવનસાથીને આજીવન પેન્શન મળતુ રહેશે. તેના મૃત્યુ બાદ બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીને સોંપી દેવામાં આવશે.
આ યોજનાનો હિસ્સો બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 40 વર્ષ છે અને મહત્તમ 80 વર્ષ છે. આ એક હોલ લાઇફ પોલીસી છે તો તેમાં પેન્શન આજીવન મળતુ રહેશે, જ્યાં સુધી પેન્શનધારક જીવંત છે. સરળ પેન્શન પોલીસી શરૂ થયાની તારીખથી લઇને છ મહિના બાદ ગમે ત્યારે સરેન્ડર પણ કરી શકાય છે.
પેન્શન ક્યારે મળશે, તે પેન્શન લેનારે નક્કી કરવાનું છે. તેમાં તમને 4 વિકલ્પ મળે છે. તમે પેન્શન દર મહિને લઇ શકો છો. દર ત્રણ મહિનામાં લઇ શકાય છે, દર 6 મહિનામાં લઇ શકાય છે અથવા 12 મહિનામાં લઇ શકાય છે. તમે જે વિકલ્પ પસંદ કરશો. તેમારુ પેન્શન તેટલા સમયમાં આવવા લાગશે.
કેટલુ મળશે પેન્શન
હવે સવાલ એ છે કે આ સરલ પેન્શન યોજના માટે તમારે કેટલા પૈસા ચુકવવા પડશે. તો અમે તમને જણાવી દઇએ કે તે તમારે જાતે નક્કી કરવાનું છે. એટલે કે જે પણ અમાઉન્ટનું પેન્શન તમે પસંદ કરશો, તે હિસાબે પેમેન્ટ કરવાનું છે. જો તમે દર મહિને પેન્શન મેળવવા માંગતા હોય તો ઓછામાં ઓછા 1000 રૂપિયા પેન્શન લેવુ પડશે, ત્રણ મહિનાના 3000 રૂપિયા, 6 મહિનાના 6000 રૂપિયા અને 12 મહિનાના 12000 રૂપિયા મિનિમમ પેન્શન લેવુ પડશે. મહત્તમની કોઇ મર્યાદા નથી.
જો તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કર્યુ છે તો તમને વર્ષે 50250 રૂપિયા મળવાનું શરૂ થઇ જશે જે આજીવન મળશે. આ ઉપરાંત જો તમારે અધવચ્ચે તમારી જમા કરેલી રકમ પરત મેળવવા માગતા હોય તો આવી સ્થિતિમાં 5 ટકાની કપાત કરીને તમને જમા કરવામાં આવેલી રકમ પરત મળી જાય છે.