કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં જે પાર્ટી પ્લોટ સૂના પડી ગયા હતા તે હવે નવેમ્બરમાં શરણાઇથી ગુંજી ઉઠશે, કારણ કે પાર્ટી પ્લોટના સંચાલકોએ આરોગ્ય વિષયક પગલાં સાથે લગ્ન સમારંભ માટે પાર્ટી પ્લોટ ભાડે આપવાના બુકીંગ શરૂ કરી દીધાં છે. આ બુકીંગની શરૂઆત અમદાવાદથી થઇ છે, જો કે હજી અનલોક-4ની જાહેરાતની રાહ જોવાઇ રહી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચક છૂટછાટ તેમજ ગાઇડલાઇન પ્રમાણે લગ્ન સમારંભ કરવાના હોવાથી પાર્ટીપ્લોટમાં નવેમ્બર મહિનાથી નવી રોનક આવે તેમ છે. કોરોના સંક્રમણના સમયમાં સરકારના આદેશના કારણે લગ્ન પ્રસંગે માત્ર 50 વ્યક્તિ ભેગા કરી શકતા હતા અને તેમના માટે ભોજન સમારંભ પણ કરી શકાતો ન હતો પરંતુ હવે સરકારે છૂટછાટ આપવાનું નક્કી કરતાં લગ્ન સમારંભ માટેના બુકીંગ શરૂ થયાં છે. હવે ચાર મહિનાના વિરામ પછી લગ્નની જાકમજોળ પાછી ફરશે.
લગ્ન સમારંભ માટે 31મી ઓગષ્ટે છૂટછાટ આપવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ આયોજકોએ મહેમાનોની સંખ્યાથી બમણી કેપેસિટીવાળા લગ્નસ્થળ શોધવા પડશે, કારણ કે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને આવા પ્રસંગ કરી શકાશે. કેન્દ્રની અનલોક-4ની ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકાર પણ લગ્ન સમારંભ માટે કેટલીક છૂટછાટ આપી શકે તેવી સંભાવના હોવાથી બુકીંગ શરૂ કરવામાં આવ્યા છે. જે પરિવારોએ લોકડાઉન પહેલાં બુકીંગ કરાવ્યા હતા તેમને પહેલો પ્રેફરન્સ આપવામાં આવશે.
અમદાવાદ પાર્ટીપ્લોટ સંચાલક એસોસિયેશને જણાવ્યું છે કે લગ્ન સમારંભમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે, એટલું જ નહીં, પાર્ટીપ્લોટના સંચાલકો તરફથી ઉપસ્થિત મહેમાનોના આરોગ્યની જાળવણી માટે સેનેટાઇઝરની સુવિધા તેમજ ફેસમાસ્ક આપવામાં આવશે.
સરકારી સૂત્રો કહે છે કે પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ માટે 50 વ્યક્તિના કાયદાના સ્થાને હવે 50 ટકાની સંખ્યાને આમંત્રણ આપી શકાશે, એટલે કે જે લગ્ન પ્રસંગમાં 1000 આમંત્રિતો આવતા હોય ત્યાં 500ને આમંત્રણ આપી શકાશે. બીજા શબ્દોમાં કહીએ તો પાર્ટી પ્લોટની ક્ષમતાના 50 ટકા મહેમાનોને પ્રવેશ આપી શકાશે.
અમદાવાદના એક પાર્ટીપ્લોટના સંચાલકે કહ્યું હતું કે લગ્ન પ્રસંગે પરિવારો તરફથી આરોગ્યના પગલાં લેવામાં આવે તે ઇચ્છનિય છે, જો કે અમે સેનેટાઇઝર અને માસ્ક આપવાની ઓફર સાથેના બુકીંગ શરૂ કર્યાં છે. અનલોક-4ની જાહેરાત થાય તે પહેલાં એકલા અમદાવાદમાં રોજના 50 બુકીંગ થવા લાગ્યા છે.