અમદાવાદમાં મોલ અને રેસ્ટોરન્ટ માલિકો કોરોના સંક્રમણ બાબતે ગંભીર નથી. એવી ઘટનાઓ સામે આવે છે કે મોલ કે રેસ્ટોરન્ટમાં ભીડભાડ થઇ જતી હોવાથી સંચાલકો કે તેમના સિક્યોરિટી જવાનો દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલાં મોલ અને હવે રેસ્ટોરન્ટનું ચેકીંગ કરીને તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
પહેલાં તો ફરિયાદના આધારે પગલાં લેવામાં આવતા હતા પરંતુ હવે કોર્પોરેશનના અધિકારીઓ રેન્ડમ ચેકીંગ કરી રહ્યાં છે. મોલ કે રેસ્ટોરન્ટ સંચાલકને ખબર પણ ન પડે તે રીતે તેઓ અંદર જઇને આરોગ્યના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરે છે. અમદાવાદના ચાર મોલને સીલ માર્યા પછી હવે ચાર રેસ્ટોરન્ટને પણ સીલ મારી દીધું છે.
અમદાવાદના પ્રસિદ્ધ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યા છે જેમાં મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌંઆ હાઉસનો સમાવેશ થાય છે. મોલના સંચાલકોએ લેખિતમાં ખાત્રી આપ્યા પછી અને કોરોના ટેસ્ટ કર્યા બાદ ગ્રાહકોને એન્ટ્રી આપવાનું શરૂ કરતાં બે મોલના સીલ ખોલી નાંખવામાં આવ્યા છે પરંતુ આ રેસ્ટોરન્ટના સીલ ખોલવામાં આવ્યા નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું કે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે અમારે જે પગલાં ભરવા પડે તે વિના સંકોચે ભરીશું. અમારી શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટની રેન્ડમ તપાસ ચાલુ રહેશે અને જ્યાં પણ માસ્ક વિના લોકો ફરતા હશે અથવા તો સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખતા હોય તો સંચાલકો સામે પગલાં લેવાશે.
અધિકારી અને કર્મચારીઓએ જ્યાં સીલ માર્યા છે ત્યાં તપાસ કરી તો ખબર પડી હતી કે મોલ અને રેસ્ટોરન્ટમાં લોકો માસ્ક પહેરતા ન હતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હતું. હવે તો સરકારે માસ્ક નહીં પહેરવાનો દંડ 1000 રૂપિયા કર્યો છે તેથી કોર્પોરેશનને પણ પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી છે. મોલ અને રેસ્ટોરન્ટમાં માસ્ક વિનાનો વ્યક્તિ હશે તો તેની સામે પણ પગલાં લેવાશે.
સોશ્યસ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં અમદાવાદમાં સંખ્યાબંધ દુકાનોને કામચલાઉ બંધ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે. જ્યાં બીજી વખત ચૂક થાય તો ત્યાં સીલ મારી દેવામાં આવે છે. કર્મચારીઓએ એક ફાર્મા કંપની અને ટોરેન્ટ પાવરનું બીલ કલેક્શન સેન્ટર પણ બંધ કરી દીધું હતું. વારંવારની ઘટનામાં સીલ ખોલવામાં આવતું નથી તેવી સ્પષ્ટતા પણ અધિકારી કરી છે.