ગુજરાતમાં ગયા ફેબ્રુઆરી મહિના સુધી હોટલો, રેસ્ટોરન્ટ, મોલ અને શોપિંગ સેન્ટરોમાં વીક-એન્ડમાં 80 ટકા ગ્રાહકો જોવા મળતા હતા જે ઘટીને 25 ટકા થઇ ગયા છે. ક્યાંય પણ ભીડ જોવા મળતી નથી. ખાસ કરીને શનિવાર અને રવિવારે રજાના દિવસે રેસ્ટોરન્ટમાં વેઇટીંગ જોવામાં આવતું હતું જ્યારે અત્યારે રેસ્ટોરન્ટ ખાલી પડી છે. કોરોના સંક્રમણના કારણે માર્કેટમાં તેજીનો સંચાર થયો નથી.
ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કારણે થતાં મોતનો આંકડો ઘટ્યો છે અને રિકવરી દર વધ્યો છે તેથી માર્કેટ ધીમે ધીમે સ્ટેબલ થઇ રહ્યું છે પરંતુ એક વખત કોરોનાની દવા કે રસી આવી જતાં ગુજરાતના શહેરોમાં માર્કેટમાં તેજી આવી શકે છે. સરકારના પ્રયાસો રહ્યાં છે કે કોરોનાના કારણે રાજ્યમાં મૃત્યુઆંક શૂન્ય થાય અને રિકવરી રેટ 95 ટકા સુધી વધે.
કોરોના અગાઉના સમયમાં રિટેલ વેચાણમાં વીક-એન્ડ શોપિંગનો હિસ્સો લગભગ 75 ટકા હતો, જે ઘટીને 25 થી 30 ટકા થઈ ગયો છે. ખરીદીનો ટ્રેન્ડ બદલાયો છે અને લોકો ઓફિસના કલાકોમાં અથવા શનિ-રવિ સિવાય ખરીદી કરવાનું પસંદ કરે છે. ગ્રોસરી, એપેરલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટની કંપનીઓના જણાવ્યા અનુસાર શોપિંગની આદતમાં ફેરફારનું મુખ્ય કારણ બંધ મલ્ટિપ્લેક્સ અને વીક-એન્ડમાં મોલ્સમાં ભીડ વચ્ચે જવાનો ખચકાટ છે.
અમદાવાદના એક જાણીતા મોલના સંચાલકે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યામાં વધારો, નવ રાજ્યમાં વીક-એન્ડ કરફ્યુ, વર્ક ફ્રોમ હોમ કલ્ચર અને ઓનલાઇન ખરીદીમાં વૃદ્ધિ સહિતના પરિબળોને લીધે વીક-એન્ડમાં શોપિંગનું પ્રમાણ ઘટ્યું છે. મોટા ભાગની ખરીદી જીવનજરૂરી ચીજોની થઇ રહી છે. અગાઉ વીક-એન્ડ શોપિંગમાં જરૂરિયાતની ચીજો સાથે મોજશોખની વસ્તુઓ પણ ખરીદવામાં આવતી હતી પરંતુ હવે રવિવારની ખરીદીને સૌથી મોટો ફટકો પડ્યો છે.
વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે લોકો શનિ-રવિ સિવાયના દિવસે પણ અનુકૂળતા પ્રમાણે ખરીદી કરી રહ્યાં છે તેથી શનિવારના વેચાણમાં 33 ટકા ઘટાડો નોંધાયો છે અને રવિવારના વેચાણમાં 70 ટકા સુધીનો ઘટાડો થયો છે. જો કે એપ્લાયન્સિસ, લેપટોપ્સ અને સ્માર્ટફોન્સ જેવી પ્રોડક્ટ્સમાં પણ આવો જ ટ્રેન્ડ નોંધાયો છે. લોકોમાં અત્યારે આ પ્રોડક્ટ્સની માંગ ઘણી ઊંચી છે.