ગાંધીનગર — અમદાવાદ-મુંબઇ પછી હવે બીજી બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રાલયને આદેશ કર્યા છે. આ બુલેટ ટ્રેન અમદાવાદથી ઉપડશે અને ક્યાં જશે તે જાણીને આશ્ચર્ય થશે, કેમ કે અમદાવાદથી મુંબઇનું જેટલું અંતર છે તેનાથી બમણું અંતર આ નવી ટ્રેન માટે હશે.
સામાન્ય રીતે ગુજરાતીઓ મુંબઇ અને દિલ્હી વધુ જાય છે. આ બન્ને મેટ્રોસિટીમાં જવા માટેની ભીડ પણ અકલ્પનિય હોય છે. સામાન્ય ટ્રેનોમાં વેઇટીંગ રહેતું હોય છે. અમદાવાદ અને મુંબઇની બુલેટ ટ્રેનની સાથે હવે અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઇ રહી છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેનું સંચાલન કરે છે અને સમગ્ર ડેટા એકત્ર કરી રહ્યું છે.
કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું કે અમદાવાદથી મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન નવું કોઇ વિધ્ન ન આવે તો 2023 સુધીમાં શરૂ થઇ જશે. એ દરમ્યાન અમદાવાદથી દિલ્હી સુધી બુલેટ ટ્રેન દોડાવવાની યોજના અમે વર્કઆઉટ કરી છે. અમદાવાદ માટે આ બીજો નેશનલ કોરિડોર હશે. આ કોરિડોરમાં દિલ્હી, જયપુર, ઉદેપુર અને અમદાવાદને આવરી લેવાશે. આ પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
દિલ્હી-અમદાવાદ કોરિડોર માટે નદીઓ, નહેરો, રેલવે અને એક્સપ્રેસ હાઇવે સહિત રાજ્યના મારર્ગો, મુખ્ય જિલ્લાના રસ્તાઓ, સૂચિત સ્ટેશનો, અંડરબ્રીજ અને ઓવરબ્રીજ સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે. અમદાવાદ થી મુંબઇ કોરિડોર 500 કિલોમીટર લાંબો છે જ્યારે અમદાવાદ થી દિલ્હીનો કોરિડોર અંદાજે 900 કિલોમીટર લાંબો હશે.
અમદાવાદ થી દિલ્હીના રેલવે કોરિડોર માટે રાઇડરશીપ સ્ટડી કરવા માટે ટેન્ડરીંગ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એકત્રિત કરેલા ડેટાના આધારે ડીપીઆર તૈયાર કરાશે. બિડીંગ દસ્તાવેજના આધારે આ કાર્ય ચાર મહિનામાં પૂર્ણ કરવાનું થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોર્પોરેશન ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરશે.
અમદાવાદ થી મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થવામાં છે અને હવે રેલવે કોર્પોરેશનનું ધ્યાન સાબરમતી રેલવે સ્ટેશનને ડેવલપ કરવાનું છે. બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન કરવાની બાકી છે તેમાં મહારાષ્ટ્રના વિસ્તારો આવે છે. ગુજરાતમાં 80 ટકા જમીન સંપાદન થઇ ચૂક્યું છે.