કેન્દ્ર સરકારના શિપીંગ મંત્રાલયની શિપ રિસાયકલિંગ પોલિસીના કારણે ગુજરાતને મોટો ફાયદો થવાની સંભાવના વધી ગઇ છે. અત્યાર સુધી યુરોપિયન અને જાપાની જહાજો ભાંગવા માટે કે રિસાયલિંગ માટે ચીન અને તુર્કી જતાં હતા તે હવે ગુજરાતના અલંગમાં આવી શકે છે.
>ભારત સરકારે પાર્લામેન્ટમાં શિપ રિસાયકલિંગ બીલ મંજૂર કર્યું છે તેની સીધી અસર ગુજરાતને થવાની છે. પોર્ટ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે યુરોપ અને જાપાન સહિતના દેશોના જહાજો તેની અંતિમ સફર માટે ચીન અને તુર્કી જતાં હતા પરંતુ હવે તે બિઝનેસ ગુજરાતના અલંગને મળી શકે તેમ છે.
તેમણે કહ્યું હતું કે અલંગમાં દર વર્ષે સરેરાશ 250 થી 280 જહાજો ભાંગવા કે રિસાઇક્લિંગ માટે આવે છે. આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે. શિપ રિસાઇક્લિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સેક્રટરી હરેશ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્રનો નિર્ણય અલંગના શિપ રિસાઇક્લરને મોટા પાયે ફાયદો કરાવશે.
એટલું જ નહીં, આ ખરડો પસાર થતાં હોંગકોગ કન્વેન્શન એડોપ્ટ કરવાનો રસ્તો હવે સાફ થયો છે. તેનાથી પર્યાવરણ અને સુરક્ષાને લગતી બાબતો પર ભાર મુકાશે, જેનો લાભ ભારતના ઉદ્યોગને થશે. નવી શરતોને પગલે યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળશે. અગાઉ આ જહાજો તુર્કી અથવા ચીન જતા હતા. અલંગ અગાઉ કરતાં પણ મોટા પાયે શિપ રિસાઇક્લિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરશે તેમાં કોઇ શંકા અમે જોતાં નથી.
શિપ રિસાઇક્લિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ હોદ્દેદારે જણાવ્યું હતું કે, હોંગકોગ કન્વેન્શનનો સ્વીકાર થતા હવે શિપ રિસાઇક્લિંગ ક્ષેત્રે સેફટી અને પર્યાવરણ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. તેથી વિદેશી જહાજો અલંગ આવશે અને અહીં વધુ લોકોને રોજગારી મળશે.
અગાઉ સુરક્ષા કે પર્યાવરણ જેવા ઇશ્યૂનો ઉલ્લેખ ન હતો. એટલું જ નહીં, હવે યુદ્ધ જહાજોને પણ તેમાં સમાવી લેવાને પગલે હવે વોર શિપ પણ રિસાઇક્લિંગ માટે અલંગ આવી શકશે. અગાઉ વોરશિપ અંગે આપણે પ્રતિબંધ રાખ્યા હતા. હવે અનેક નવાં ક્ષેત્રોમાંથી શિપ આવશે. એટલું જ નહીં જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની સાથે ગુજરાતમાં અલંગને વિકસાવવાનો પ્લાન ચાલી રહ્યા છે.
આ પ્લાન પ્રમાણે જાયકા સાથે રહીને કરોડોના રોકાણ સાથે રિસાઇક્લિંગ યાર્ડ તેમજ અન્ય ફેસિલિટી ઊભી કરાવામાં આવનારી છે. તેમાં કારીગરોને પણ સેફટીને લગતી યોગ્ય દેખરેખ રાખવાનું આયોજન છે. આ તમામ બાબતો અને આ બિલનું પાસ થવું બંને સાથે જોઈએ તો હવે ગુજરાતના અલંગ ખાતેના શિપ રિસાઇક્લિંગ યાર્ડ માટે વિપુલ તક ઉભી થશે.