મુંબઇઃ ભારતીય મૂડીબજાર નિયામક સેબીએ આદિત્ય બિરલા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઇપીઓની ઓફર પર પોતાનો અંતિમ નિર્ણય હાલ હોલ્ડ ઉપર રાખ્યો છે. એટલે કે કંપનીના આઇપીઓની મંજૂરી પર હાલ રોક લગાવી દીધી છે. સેબીની વેબસાઇટ પર આ પ્રસ્તાવ સંબંધિત સોમવારે અપલોડ કરેલી નવીન માહિતીમાં આ જાણકારી મળી છે. અલબત્ત સેબીએ આમ કરવા મામલે કોઇ વધારે જાણકારી આપી નથી.
આદિત્ય બિરલા એએમસી એ આદિત્ય બિરલા ગ્રૂપ અને સનલાઇફ ફાઇનાન્સિયલનું સંયુક્ત સાહસ છે. આઇપીઓ ઓફર હેઠળ કંપની 3.88 કરોડ શેરનુ વેચાણ કરવા ઇચ્છે છે. તેમાં આદિત્ય બિરલા કેપિટલના 28.51 લાખ સુધીના પોતાના શેર અને સનલાઇફ એએમસી 3.68 કરોડ પોતાના શેર વેચવા માંગે છે. જે કંપનીની પેઇડ અપ કેપિટલના કૂલ 13.60 ટકા બરાબર છે. આઇપીઓ દ્વારા કંપની 1500થી 2000 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. ઉલ્લેખનિય છે કે, આદિત્ય બિરલા એએમસીએ ગત 19 એપ્રિલના રોજ સેબી સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા હતા.
સેબી દ્વારા આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની એક સબસિડીયરીને શો-કોઝ નોટિસ ફટકાર્યા બાદ આઇપીઓની મંજૂરી 30 દિવસ માટે અટકાવી દીધી છે એવું ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ છે. સેબી તરફથી જ્યારે કોઇ ગ્રૂપ કંપની કે તેની પેટાકંપની વિરુદ્ધ તપાસ ચાલી રહી હોય ત્યારે આવી કાર્યવાહી થાય છે. એવુ કહેવાય છે કે, સેબીએ ગ્રૂપની નોન-બેન્કિંગ લેન્ડિંગ ફર્મ આદિત્ય બિરલા ફાઇનાન્સને શો-કોઝ નોટિસ ફટકારી છે.