કોણ કહે છે કે ભાજપની સરકાર સંવેદનશીલ નથી, ખોટી વાત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જેટલા સંવેદનશીલ છે તેટલા તેમના વિભાગના કેટલાક મંત્રી પણ સંવેદનશીલ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વાત ન્યારી છે તેમની કામ કરવાની પદ્ધતિ એવી છે કે કોઇ સાચો અને ન્યાયની વાત કરતો મુલાકાતી તેમની ચેમ્બરમાં ક્યારેય નિરાશ કે નારાજ થતો નથી.
ગુજરાત સરકારના કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની પણ કામ કરવાની પદ્ધતિ પણ કાબિલેદાદ છે. વિભાગની કામગીરીમાં ભલે તેઓ નબળા સાબિત થયાં છે પરંતુ તેઓ ઓફિસમાં હોય ત્યારે પ્રત્યેક મુલાકાતીને મળે છે. સંગઠનમાંથી સરકારમાં આવેલા આ મંત્રી લોકોની યાતનાને સમજે છે પરંતુ તેમને તેમના વિભાગના અધિકારી જ ગાંઠતા નથી.
આરસી ફળદુ મુલાકાતીની હાજરીમાં જ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે વાત કરીને વિષયને પરિણામલક્ષી પૂર્ણ કરવાની સીધી સૂચના આપે છે. તેઓ કહે છે કે, ‘હું અરજદાર ભાઇને આપની પાસે મોકલું છું, તેમને ન્યાય આપજો, નિરાશ કરશો નહીં.’ જો કે તે મુલાકાતી અધિકારી પાસે જાય છે ત્યારે નિરાશ થઇને પાછો આવે છે અને મંત્રીને ફરિયાદ કરતો હોય છે.
એક કેસમાં તો તેમણે વિભાગના અધિકારીને ત્યાં સુધી કહ્યું હતું કે- “આવા બકવાસ આદેશો મહેરબાની કરીને બહાર પાડશો નહીં. આપણે લોકોની સેવા કરવા માટે બેઠાં છીએ. દૂર અંતરથી આવેલો મુલાકાતી નિરાશ થઇને પાછો જાય તો તેમાં સરકારનું નુકશાન છે. તમે તઘલખી નિર્ણયો લઇ શકો નહીં…”