શાંઘાઇઃ ટેકનોલોજની દુનિયામાં Tencentનું બહુ મોટુ નામ છે. આ ચાઇનીઝ કંપનીના શેર ઉપર જ્યાં સુધી ચીનની સરકારની રહેમ નજર હતી ત્યાં સુધી તેના સારા દિવસો ચાલી રહ્યા છે. તે સમયે આ કંપની રોકાણકારો માટે ડાર્લિંગ સ્ટોકની જેમ હતો. જો કે હાલ તે દુનિયાનો સૌથી ખરાબ દેખાવ કરનાર કંપનીનો શેર બની ગયો છે.
બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ જુલાઇમાં અત્યાર સુધી આ શેરમાં 23 ટકાનો ઘટાડો આવ્યો છે. તેના કારણે રોકાણકારોને 170 અબજ ડોલરનુ જંગી નુકસાન થયુ છે આ રકમ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ બરાબર છે. રિપોર્ટ મુજબ જુલાઇમાં શેરબજારમાં રોકાણકારાના નાણાં ડુબાડનાર કંપનીઓની યાદીમાં આ કંપની સૌથી ઉપર છે. જુલાઇમાં રોકાણકારોના નાણાં ડુબાડનાર વિશ્વની ટોપ-10 કંપનીઓમાંથી 9 ચીનની છે. તેમાં મેતુયાન અને અલીબાબા ગ્રૂપનો પણ સમાવેશ થાય છે.
ચીનની સરકારની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ સામે દમનકારી નીતિ તેની જ કંપનીઓ માટે નુકસાનકારક સાબિત થઇ રહી છે. ચીનની સરકારના કડક વલણથી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝના શેર નોંધપાત્ર ઘટ્યા છે અને રોકાણકારોને મોટું નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે. ચીનની આ દિગ્ગજ ઇન્ટરનેટ જાયન્ટનો શેર જુલાઇ મહિનામાં 23 ટકા ઘટી ગયો છે અને તેના લીધે તેની માર્કેટ વેલ્યૂએશનમાં 170 અબજ ડોલરનું ધોવાણ થયુ છે. ટેનસેન્ટ હોલ્ડિગ વિરુદ્ધ ખોટી બિઝનેસ પ્રથાઓનો ઉપયોગ કરી બજાર હિસ્સેદારી વધારવાને લઇને ચીનની સરકાર તપાસ કરી રહી છે.