અમૂલ બ્રાન્ડથી અનેક પ્રકારના દૂધ બજારમાં આવે છે પરંતુ અમૂલ સાથે સંકળાયેલી બનાસ ડેરીએ એવું દૂધ અને એવું પાઉચ બનાવ્યું છે કે જેમાં દૂધને ફ્રીઝમાં મૂકવામાં ન આવે તેમ છતાં તે 90 દિવસ સુધી બગડતું નથી. સામાન્ય રીતે ફ્રીઝમાં ન મૂકેલું દૂધ બે દિવસમાં બગડી જાય છે. બનાસ ડેરીએ મોતી નામની બ્રાન્ડ સાથે દૂધના પાઉચ લોંચ કર્યાં છે.
ઉત્તર ગુજરાતની બનાસ ડેરીએ દાવો કર્યો છે કે દૂધના પાઉચની ડિઝાઇન એવા પ્રકારની છે કે જેમાં દૂધ ઝડપથી બગડી જતું નથી. આ દૂધને 90 દિવસ સુધી બહાર રાખી શકાય છે. એટલે કે દૂધ ખરીદ કર્યા પછી ત્રણ મહિને પણ તેનો ઉપયોગ કરી શકાશે. જે પરિવારના ઘરમાં ફ્રીઝ જેવી સુવિધા નહીં હોય તેમના માટે આ દૂધ ખરીદવું મહત્વનું છે.
બનાસ ડેરીએ આ દૂધ પર્વતીય તેમજ દુર્ગમ વિસ્તારો કે જ્યાં ફ્રીઝની સુવિધા નથી તેમના માટે બનાવ્યું છે. એટલું જ નહીં ભારતીય સૈન્યના જવાનો પણ આ દૂધનો ઉપયોગ કરી શકે છે. તેઓ ગમે ત્યારે આ દૂધ ખરીદી શકે છે અને ગમે ત્યારે 90 દિવસની અંદર વાપરી શકે છે.
આ દૂધના 500 ગ્રામના પાઉચની કિંમત 20 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે 200 ગ્રામના દૂધની કિંમત 9 રૂપિયા છે. હાલમાં આ દૂધ જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને છત્તીસગઢ રાજ્યમાં લોંચ કરવામાં આવ્યું છે. બનાસ ડેરી અમૂલ બ્રાન્ડ સાથે જોડાયેલી છે. આ ડેરીના સંચાલક કહે છે કે ત્રણ રાજ્યોમાં લોંચ કર્યા પછી અમે આ દૂધને ગુજરાતમાં પણ લોંચ કરવાના છીએ. સામાન્ય રીતે આ દૂધનો ભાવ અન્ય દૂધની સરખામણીએ ઓછો રાખવામાં આવ્યો છે.