મુંબઇઃ દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીની કંપની એવન્યૂ સુપરમાર્ટ્સ (ડીમાર્ટની માલિકી કંપની)નો શેર આજે સોમવારે સ્ટોક એક્સચેન્જ બીએસઇ ખાતે ટ્રેડિંગ સેશન દરમિયાન નવી રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયો. તેની સાથે કંપની માર્કેટ વેલ્યૂએશનની દ્રષ્ટિએ એક્સિસ બેન્ક અને લાર્સન-ટુબ્રોને પછાડી આગળ નીકળી ગઇ. આ સાથે જ એવન્યૂ સુપરમાર્ટ્સ હવે દેશની 16મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે.
કંપનીનો શેર આજે કામકાજ દરમિયાન 1.73 ટકાની તેજી સાથે 3655.95 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. સેશનના અંતે આ શેર 1.11 ટકાની વૃદ્ધિ સથે 3633.50 રૂપિયાના સ્તરે બંધ થયો. આમ કામકાજના અંતે એવન્યૂ સુપરમાર્ટ્સની માર્કેટ વેલ્યૂએશન 235368 કરોડ રૂપિયાએ પહોંચી ગઇ. તો આ દરમિયાન એક્સિસ બેન્કની માર્કેટ વેલ્યૂએશન 233605 કરોડ રૂપિયા અને લાર્સન એન્ડ ટુર્બોની માર્કેટકેપ 232660 કરોડ રૂપિયા રહી હતી. એફએમસીજી અને સિગારેટ કંપની આઇટીસી 259610 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ સાથે એવન્યૂ સુપરમાર્ટ્સથી એક સ્થાન ઉપર 15માં ક્રમે છે. છેલ્લા 3 મહિનામાં એવન્યૂ સુપરમાર્ટ્સનો શેર 30 ટકા વધ્યો છે.
ઉલ્લેખનિય છે કે, એવન્યુ સુપરમાર્ટ્સ કંપની શેરબજારમાં માર્ચ 2017માં લિસ્ટેડ થઇ હતી અને છેલ્લા 4 વર્ષમાં તેણે તેના ઇશ્યૂ પ્રાઇસ કરતા 1000 ટકાથી વધારે રિટર્ન આપ્યુ છે. ડીમાર્ટનો શેર 295-299 રૂપિયાના પ્રાઇસ બેન્ડ પર ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. લિસ્ટિંગના સમયે આ કંપનીની માર્કેટકેપ 40,000 કરોડ રૂપિયાથી પણ ઓછી હતી. આ શેર 604 રૂપિયાની કિંમતે શેરબજારમાં લિસ્ટેડ થયો હતો અને એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા બમણાં થઇ ગયા હતા. કંપનીના શેરમાં તેજીથી રાધાકૃષ્ણ દામાણીની સંપત્તિ પણ 19.1 અજ ડોલરે પહોંચી ગઇ છે અને હાલ તેઓ દેશના છઠ્ઠા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ છે.