નાણાં મંત્રાલયે હાલમાં જ નવા ઈન્કમ ટેક્સ પોર્ટલને શરૂ કરવાની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે તાજેતરમાં જણાવ્યું કે 7 જૂનથી, આવકવેરાની વિગતો ભરવા માટેનું એક નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરાશે. નવા પોર્ટલનો હેતુ કરદાતાઓ માટે સુવિધા વધારવાનો છે.
આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ મોબાઇલ દ્વારા તેનો ઉપયોગ કરવો સરળ બનશે અને તેના પર અગાઉથી ભરવામાં આવેલા આવકવેરાની વિગતો, આઈટીઆર આવકવેરા ફોર્મ અને સરળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આવકવેરા વિભાગ 7 જૂન, 2021એ નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in શરૂ કરશે. આ પોર્ટલ હાલની http://incometaxindiaefiling.gov.inની જગ્યાએ કામ કરશે.
વિભાગે કહ્યું છે કે આ નવા પોર્ટલમાં એક નવી મોબાઇલ એપ્લિકેશન પણ હશે, જેના આધારે કરદાતાઓ યુઝર મેન્યુઅલ અને વીડિયો ક્લિપ દ્વારા દરેક યુઝર્સને માહિતી આપશે.
આવકવેરા વિભાગે કહ્યું છે કે નવું પોર્ટલ રજૂ થાય તે પહેલાં 1થી 6 જૂન સુધી ઇ-ફાઇલિંગ સેવાઓ ઉપલબ્ધ થશે નહીં. વિભાગે કરદાતાઓને સૂચના આપી છે કે જો તેમને કોઈ જવાબ કે સેવા મેળવવા હોય તો આ તારીખની પહેલાં અથવા પછી અરજી કરો.
નવું પોર્ટલ 6 કેટેગરીમાં નવી સુવિધાઓથી સજ્જ હશે અને તેનાથી કરદાતાઓને પણ ટૂંક સમયમાં રિફંડ જારી કરવામાં મદદ મળશે. નવા પોર્ટલમાં ટેક્સ ભરનારાઓની સુવિધા માટે અનેક પગલા પણ લેવામાં આવ્યા છે. નવા પોર્ટલ પર અપલોડ કરવું અને બાકી કામ એક સાથે દેખાશે. જો કરદાતાઓનું કોઈ કામ અટકી ગયું છે, તો તેની માહિતી પણ એક જગ્યાએ મળશે.