ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઊંઝામાં આવેલા ઉમિયા માતાજીના મંદિરના ટ્રસ્ટમાં કોઇ પરિવાર અથવા તો ગ્રુપ દ્વારા 253 વિઘા એટલે કે 601749 ચોરસમીટર જમીન દાનમાં આપી હોય તેવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ જમીન ઉમિયા માતાજીના કામમાં આપવામાં આવી છે. બે પાટીદાર વ્યક્તિઓએ આ જમીન માતાજીના કામ માટે દાનમાં આપી છે.
વિશ્વના કડવા પાટીદારોના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર ઊંઝાને આ જમીન દાનમાં આપવામાં આવી છે. 48 કડવા પાટીદાર સમાજ, અમદાવાદના પૂર્વ પ્રમુખ જેએસ પટેલ અને તેમના વેવાઇ તેમજ ગુજરાતના પૂર્વ મંત્રી અરવિંદભાઇ ત્રિભોવનદાસ પટેલ એમ બન્નેની સંયુક્ત માલિકીની શોભાસણ, ટેંચાવા, પીંપળદર. વિજાપુર નજીક આવેલી 253 વીઘા જમીન સંસ્થાને બક્ષીશ આપવામાં આવી છે.
ઉમિયા માતાજી સંસ્થાનના ઇતિહાસમાં આટલી મોટી જમીન એક જ ગ્રુપ તરફથી મળી હોય તેવો પહેલો પ્રસંગ છે. સંસ્થાની મળેલી કારોબારીએ 253 વીઘા જમીન સ્વિકારી છે. હવે સંસ્થા આ જમીન અંગે યોગ્ય નિર્ણય લઇને આગળની કાર્યવાહી કરશે.
કારોબારી બેઠકમાં ભૂમિદાતા જેએસ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અંગત કારણોસર હાજર નહીં રહેલા બીજા ભૂમિદાતા અરવિંદભાઇ પટેલની કારોબારીએ સરાહના કરી હતી. સંસ્થાના કારોબારી સભ્યોએ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્તિ ઉમિયા માતા તેમની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી.
ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહએ મા ઉમિયા મંદિરનું નિર્માણ કરાવ્યું ત્યારથી કડવા પાટીદાર સમુદાયના કુળદેવી ઉમિયા માતાનું અહીં નિત્ય પૂજન થાય છે. ઐતિહાસિક માહાત્મ્યઃ મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈ.સ. પૂર્વે 1250થી 1200ના સમયગાળામાં ગુજરાત આવી વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા હતા. મા ઉમિયા એ આદ્યશક્તિ જગતજનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે.
મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન છે. હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં 1887માં રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ સવ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું હતું, જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો. હાલના મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરી, 1887ના રોજ કરવામાં આવ્યું હતું. ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો.