ગુજરાતના વિવિધ વિભાગો જેવાં કે ઉદ્યોગ, ઉર્જા, કૃષિ, શિક્ષણ, શહેરી વિકાસ, ગૃહ અને આરોગ્યની જેમ હવે સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર નવી સર્વિસ નીતિ બનાવી રહી છે. આ નીતિના કારણે કોરોના સંક્રમણના સમયમાં બેહાલ થયેલું સેક્ટરને બેઠું કરવાની ગણતરી રાખવામાં આવી છે. સરકારનો મુખ્ય આશય રોજગારીની નવી તકો ઉભી કરવાનો છે.
રાજ્યના ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરી છે. બીજી એક પોલિસી ટુરિઝમ સેક્ટરમાં આવી રહી છે. બે વર્ષ જેટલા લાંબા સમયથી પોર્ટ પોલિસી પેન્ડીંગ છે તેની પણ જાહેરાત થવાની છે. રાજ્યના ખેડૂતો માટે કૃષિ પ્રોત્સાહક પોલિસી આવી રહી છે. ઉદ્યોગમા લોજીસ્ટીક પાર્ક પોલિસી પણ આવી રહી છે ત્યારે હવે સર્વિસ પોલિસી બનાવવામાં આવનાર છે.
સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર સર્વિસ સેક્ટરને પોલિસી ફ્રેમવર્કમાં આવરી લેવામાં આવી રહ્યું છે. ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી સહિત હોટલ, પ્રવાસન, રેસ્ટોરન્ટ અને ફાયનાન્સ સહિતના બિઝનેસ માટે ખાસ સર્વિસ પોલિસી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો આ પોલિસી બનશે તો સમગ્ર દેશમાં ગુજરાત એક એવું રાજ્ય હશે કે જેણે સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે.
કોઇપણ દેશ કે રાજ્યના વિકાસમાં એટલે કે જીડીપીમાં સર્વિસ સેક્ટરનો મોટો ફાળો હોય છે. આ સેક્ટરની હાલત કોરોના સંક્રમણ સમયે તળીયે આવી છે. આ સેક્ટરને 2021 સુધીમાં બેઠું કરવું હોય તો સરકારે અગ્રતાક્રમે સર્વિસ સેક્ટરની પોલિસી લાવવી પડે તેમ છે.સર્વિસ સેક્ટરમાં વધુ ને વધુ કંપનીઓને આકર્ષવા તથા પ્રવર્તમાન કંપનીઓને વધારાના લાભો આપવામાં આવે તેવી સંભાવના છે. સર્વિસ સેક્ટરના વિકાસનેકારણે મોટી સંખ્યામાં નવી રોજગારી ઊભી થઇ શકે તેમ છે. કોરોના લોકડાઉનને કારણે સર્વિસ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે, તેને ધ્યાને રાખીને ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ પોલિસીમાં પ્રવાસન, હોટલ, રેસ્ટોરન્ટ અને ફાયનાન્સ સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવનાર છે. આ ઉપરાંત ગિફ્ટ સિટી તેમજ ધોલેરા સિટી માટે પણ કેટલાક મહત્વની રાહતો આપવામાં આવશે. આ પોલિસી બનાવતાં પહેલાં રાજ્યના ઉદ્યોગ સંગઠનો અને એસોસિયેશનો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. વર્ષના અંત સુધીમાં આ પોલિસીની જાહેરાત થાય તેવી સંભાવના છે.