અમદાવાદમાં ફાઇવસ્ટાર જેવી ક્લબો છેલ્લા પાંચ મહિનાથી બંધ હતી પરંતુ હવે ટૂંકસમયમાં આ ક્લબો શરૂ થવા જઇ રહી છે. સરકારે તો 5મી ઓગષ્ટથી ક્લબો શરૂ કરવાની પરમિશન આપી હતી પરંતુ ક્લબ સંચાલકોએ શરૂ કરી ન હતી. ક્લબ મેનેજમેન્ટ એસોસિયેશને નિર્ણય કર્યો છે કે આરોગ્યના નિયમોને આધિન આવતા સપ્તાહથી ક્લબો શરૂ કરાશે.
કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદની રાજપથ, કર્ણાવતી, વાયએમસીએ સહિતની ક્લબો બંધ કરી દેવામાં આવી હતી. ગયા માર્ચ મહિનામાં જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી ક્લબો બંધ છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત સરકારે ક્લબો શરૂ કરવાની મંજૂરી આપી હતી પરંતુ કોરોના સંક્રમણના ડરના કારણે ક્લબ સંચાલકો શરૂ કરી શક્યા ન હતા.
એસોસિયેશને બનાવેલી ગાઇડલાઇન પ્રમાણે ક્લબમાં અત્યારે 65 વર્ષથી ઉપરની વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલું જ નહીં 10 વર્ષથી નાના બાળકોને પણ પ્રવેશ નિષેધ છે. ક્લમાં જીમ, રનિંગ એન્ડ વોકિંગ ટ્રેક તેમજ ટેબલ ટેનિસ શરૂ કરાશે. નવી ગાઇડલાઇન આવે નહીં ત્યાં સુધી ગેસ્ટ મેમ્બર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એટલું જ નહીં, દર ચાર કલાકે ક્લબને સેનેટાઇઝ કરવામાં આવશે. ક્લબમાં કોઇપણ સભ્ય માત્ર 70 મિનિટ સુધી રોકાઇ શકશે. રવિવાર કે જ્યારે રજા હોય છે ત્યારે ક્લબોમાં ભીડ જોવા મળે છે પરંતુ કોરોના સંક્રમણના કારણે ક્લબોને રવિવાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ક્લબના મેમ્બર્સની રજૂઆતોને ધ્યાને લઇને સંચાલકોએ કેટલાક નિયમો સાથે ક્લબોને શરૂ કરવાની મંજૂરી આપી છે.