મુંબઈ : ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણમાં એપ્રિલ ૨૦૨૧ મહિનામાં ઘટાડો નોંધાયો છે. ટાટા મોટર્સનું સ્થાનિક બજારમાં વેચાણ ૩૯૫૩૦ વાહનોનું કરવામાં આવ્યું છે. જ્યારે મારૂતી સુઝુકીના વાહનોના વેચાણમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ટોયોટા કિર્લોસ્કર દ્વારા એપ્રિલ૯૬૨૨ વાહનોનું વેચાણ કરાયું છે.
મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે એપ્રિલ ૨૦૨૧ મહિનામાં વાહનોનું વેચાણ ગત વર્ષના સમાન મહિનાના ૧,૬૭,૦૧૪ વાહનોની તુલનાએ ચાર ટકા ઘટીને ૧,૫૯,૬૯૧ વાહનોનું કર્યું છે. કંપનીના આ વેચાણમાં નિકાસ અને સ્થાનિક વેચાણનો સમાવેશ છે.
કંપનીએ ગત વર્ષે એપ્રિલમાં સ્થાનિક બજારમાં લોકડાઉનના કારણે કોઈ વેચાણ કર્યું નહોતું. એપ્રિલ ૨૦૨૦થી કોવિડ-૧૯ના કારણે લોકડાઉન રહેતાં અને એપ્રિલ ૨૦૨૦માં ઝીરો વેચાણ થયું હતું.
કંપની દ્વારા એપ્રિલ ૨૦૨૧માં સ્થાનિક વેચાણ ૧,૩૭,૧૫૧ વાહનોનું અને અન્ય ઓઈએમઝને વેચાણ ૫૩૦૩ વાહનો અને નિકાસ ૧૭,૨૩૭ વાહનોની કરવામાં આવી છે. મારૂતી સુઝુકીનું સ્થાનિક વેચાણ એપ્રિલમાં માસિક ધોરણે ૧,૫૫,૪૧૭ વાહનોથી ૮ ટકા ઘટીને ૧,૪૨,૪૫૪ વાહનોનું થયું છે.
ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા એપ્રિલ ૨૦૨૧માં કુલ ૯૬૨૨ વાહનોનું વેચાણ કરાયું છે. જે ગત વર્ષે સમાન મહિનામાં ઝીરો વેચાણ હતું. ટાટા મોટર્સ દ્વારા એપ્રિલ ૨૦૨૧માં ૩૯૫૩૦ વાહનોનું વેચાણ કરાયું છે. જે ગત વર્ષે એપ્રિલમાં લોકડાઉનના કારણે ઝીરો થયું હતું. અલબત ચાલુ વર્ષમાં માર્ચ ૨૦૨૧ની તુલનાએ એપ્રિલમાં વેચાણ ૪૧ ટકા ઘટયું છે.