ગાંધીનગર: ગુજરાતના કેન્દ્ર હસ્તકના દિનદયાલ પોર્ટ એટલે કે કંડલા પોર્ટ ટ્રસ્ટની નજીકનાં ખાનગી જેટી બાંધવાની રાજ્ય સરકારે આપેલી મંજૂરીમાં વિવાદ ઉભો થતાં ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યો છે. આ જેટીનો ઉગ્ર વિરોધ ખુદ કંડલા પોર્ટ ટ્રસ્ટે કર્યો હતો.
કંડલા પોર્ટની નજીક ગુજરાત સરકારે કચ્છની સ્થાનિક કંપની આહિર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ASAPPL) ને જેટી બનાવવાની મંજૂરી આપતાં વિવાદ સર્જાયો હતો. કંડલા પોર્ટ ટ્રસ્ટ એ કેન્દ્ર સરકાર હસ્તક છે અને પોર્ટ ટ્રસ્ટે આ જેટીને ગેરકાયદે હોવાનો આરોપ મૂક્યો હતો જેના અનુસંધાને સરકારના ધ્યાનમાં આ બાબત આવતાં ઉચ્ચકક્ષાએથી નિર્ણય લઇને મંજૂરી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
મીઠાના ઉત્પાદન માટે આપેલી જમીનમાંથી કેટલાક હિસ્સાને જેટી માટે મંજૂરી આપવામાં આવતા આ વિવાદ સર્જાયો હતો. રાજ્ય સરકારે આહિર સોલ્ટ એન્ડ એસાઇડને મીઠાના પ્રોજેક્ટ માટે 1317.56 એકર જમીન લીઝથી મીઠાના ઉત્પાદન માટે આપી છે જે પૈકી 94.56 એકર જમીન જેટીના નિર્માણ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
કંપનીએ એવો દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં 1972થી એક જેટી કાર્યરત હતી અને તેનો પુનરૂત્થાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કંડલા પોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેના પોર્ટને CISF ની સુરક્ષા મળે છે અને પાકિસ્તાનથી ખૂબ નજીક હોવાથી તે સુરક્ષાની રીતે સંવેદનશીલ સ્થળ છે. અહીં કોઇ ખાનગી કંપનીને જેટી બનાવવા માટે પરવાનગી આપવી જોખમી છે. એ ઉપરાંત પર્યાવરણ એટલે કે ઇકોલોજીની દ્રષ્ટિએ પણ આ નિર્ણય જોખમી છે. આખરે સરકારે મંજૂરીને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.