મુંબઇઃ ભારતીય શેરબજારમાં હાલ IPOના વરસાદની સીઝન ચાલી રહી છે. આજે 27 જુલાઇના રોજ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ સહિત વધુ એક કંપનીનો આઇપીઓ ખુલ્યો છે.
ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ કંપનીનો આઇપીઓ આજે ખૂલી રહ્યો છે. કંપની IPO મારફતે 1513.6 કરોડ રૂપિયા એક્ત્ર કરશે. IPO માટે રોકાણકારો 29 જુલાઇ સુધી સબ્સક્રાઇબ કરી શકશે. IPOના આગમન પહેલા જ તેના શેરની કિંમત ગ્રે માર્કેટમાં 20 ટકા પ્રીમિયમ પર પહોંચી ગઇ છે. માર્કેટ પંડિતોએ આ આઇપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે.
કંપની 1060 કરોડ રૂપિયાના નવા શેર IPOમાં ઇશ્યૂ કરશે. દરેક શેરની ફેસ વેલ્યૂ 2 રૂપિયા હશે. ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર પોતાના 63 લાખ શેર વેચશે. આ IPOમાં રોકાણ કરવા માટે તમારે ઓછામાં ઓછા 20 શેર માટે બીડ કરવાની રહેશે.
આ રીતે પ્રાઇસ બેન્ડના નીચલા સ્તરે તમારે ઓછામાં ઓછા 13,900થી 14,400 રૂપિયાનું રોકાણ કરવાનુ રહેશે. એક અરજી બાદ તમારે 20 શેરના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.
કંપનીએ 50 ટકા શેર સંસ્થાકીય રોકાણકારો માટે રિઝર્વ રાખ્યા છે. 15 ટકા શેર બિન સંસ્થાકીય રોકાણકારો અને 35 ટકા શેર નાના રોકાણકારો માટે રિઝર્વ રાખ્યા છે. કંપનીનો શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે,
આજે ખુલી રહ્યો છે ગ્રેટેક્સ કોર્પરેટ સર્વિસિસ લિમિટેડનો IPO
આજે વધુ એક કંપની ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડનો આઇપીઓ ખુલી રહ્યો છે. આ કંપની એ કેટેગરી-1ની મર્ચન્ટ બેન્કર કંપની છે, જેનો આઇપીઓ 30 જુલાઇના રોજ બંધ થશે. આ કંપની તમામ એસએમઇને ફાઇનાન્સિયલ અને કન્સલ્ટન્સી સેવાઓ આપે છે. આ કંપનીએ આઇપીઓ ઇશ્યૂ માટે શેર દીઠ 170 રૂપિયાની પ્રાઇસ નક્કી કરી છે. કંપની આ IPO મારફતે 3,01,600 શેર વેચશે.