રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના લાભમાંથી ગુજરાતના 3.96 લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને ડિલિટ કરી દેવામાં આવ્યા છે અને આ તમામ ધારકો આદિવાસી જિલ્લાઓના છે. કુલ 15 લાખથી વધુ લોકોને આ કાયદા પ્રમાણે સબસીડીનો લાભ મળતો નથી. કોરોના સંક્રમણના સમયમાં આ પરિવારો સસ્તા અનાજની દુકાનની ચીજવસ્તુથી વંચિત રહ્યાં છે.
આ રેશનકાર્ડ ડિલિટ કર્યા હોવાની વિગતો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આપવામાં આવી છે. દેશની સંસદમાં પસાર થયેલા અન્ન સુરક્ષાના કાયદા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં 75 ટકા અને શહેરી વિસ્તારમાં 50 ટકા લોકોને રેશનમાં સબસીડી આપવામાં આવે છે.આ કાયદા પ્રમાણે પ્રત્યેક પરિવારને પ્રતિ કિલોના બે રૂપિયાના ભાવે સાડા ત્રણ કિલોગ્રામ ઘઉં અને પ્રતિ કિલોના ત્રણ રૂપિયાના ભાવે દોઢ કિલોગ્રામ ચોખા આપવામાં આવે છે. અન્ન સુરક્ષા કાયદા પ્રમાણે પ્રત્યેક ગરીબ વ્યક્તિ કે જેમની પાસે રેશનકાર્ડ છે તેઓ કુલ પાંચ કિલોગ્રામ અનાજ મેળવવા હક્કદાર છે.
ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદાનો અમલ 1લી એપ્રિલ 2016માં શરૂ થયો હતો અને 3.41 કરોડ લોકોને અન્ન માટે સબસીડી આપવા માટે શોધી કાઢવામાં આવ્યા હતા. પ્રતિ વ્યક્તિ પાંચ કિલોગ્રામ અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ આંકડામાં આઠ લાખ એટલે કે 42 લાખ લોકો અંત્યોદયની યોજનામાં સમાવિષ્ટ છે, જેઓ પ્રતિમાસ સબસીડીમાં રેશન મેળવી રહ્યાં છે.
તાજેતરમાં માહિતી અધિકાર ગુજરાત પહેલ નામની સંસ્થા દ્વારા માહિતી અધિકાર કાયદા નીચે માહિતી માગવામાં આવી હતી ત્યારે જણાવવામાં આવ્યું કે કેટલાક પરિવારોને આ યોજનામાંથી રદ્દ કરવામાં આવ્યા છે. માહિતી અધિકાર હેઠળ રેશનકાર્ડની ચોક્કસ સંખ્યા અને લાભાર્થીઓ અંગેની માહિતી માગવામાં આવી હતી. આશ્ચર્ય સાથે 38 બ્લોકની માહિતી પ્રમાણે 3.96 લાખ રેશનકાર્ડ યોજનાના પ્રાયોરિટી હાઉસહોલ્ડમાંથી રદ્દ કરવામાં આવ્યા છે જે રાજ્યના 10 જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.
જે જિલ્લામાંથી લાભાર્થીઓને રદ્દ કરવામાં આવેલા છે તેમાં ડાંગ, નવસારી, તાપી, સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારના બ્લોક અને જિલ્લા સ્તરે લોકોએ ફરિયાદો પણ કરી છે. જેમના નામ રદ્દ થયાં છે તેમણે ફરિયાદ કરી હતી કે અમને એટલા માટે રદ્દ કરવામાં આવ્યા છે કે તેઓએ અપૂરતા ક્વોટા અને રેશનની ગુણવત્તા સામે અવાજ ઉઠાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્ડ સાઇલેન્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે.
જેમના કાર્ડ સાઇલેન્ટ મોડ પર હતા તેઓ તેમનું રેશન એકત્ર કરવા જઇ શક્યા ન હતા, કેમ કે તેઓ કામની શોધમાં બીજા શહેરોમાં સ્થળાંતરિક થયાં હતા. અધિકારીએ કહ્યું હતું કે રેશનકાર્ડ સાયલન્ટ મોડમાં મૂકવાની પ્રક્રિયા અંગે કોઇ પરિપત્ર કરવામાં આવેલો નથી.
38 બ્લોકના માહિતી અધિકાર કાયદા હેઠળની માહિતીમાં એવું બહાર આવ્યું છે કે 2016-17માં અગ્રતાક્રમમાંથી 80,000 રેશનકાર્ડ ડિલિટ થયેલાં છે. એ ઉપરાંત 2018-19માં 1.86 લાખ ઉપરાંત બીજા 42,000 અને 2019-20માં 70,000 પ્રાયોરિટી હાઉસહોલ્ડમાંથી રદ્દ થયેલા છે, જેમને કેન્દ્રની આ યોજનાનો લાભ મળતો નથી.
કેન્દ્રની આ સ્કીમ પ્રમાણે ગુજરાતમાં 3.84 કરોડ કાર્ડધાકરોને સપોર્ટ કરે છે પરંતુ રાજ્યમાં 3.21 કરોડ કાર્ડધારકોને તેનો લાભ આપવામાં આવે છે, જ્યારે 60 લાખ લોકોને બિનજરૂરી રીતે બાકાત રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના સમયમાં આદિવાસી વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં સરકારી લાભથી વંચિત એવા પરિવારો અને લોકો માટે સૌથી મોટો અન્યાય છે. ગુજરાત સરકારે હકીકતમાં કોરોના સંક્રમણના સમયમાં 4.11 કરોડ લોકોને કેન્દ્રની આ યોજનાનો લાભ આપવો જોઇએ.