ગુજરાતના પ્રખ્યાત શ્રાવણ અને ભાદરવાના લોક મેળા પર કોરોના સંકટ છે. મહામારીના સંક્રમણના કારણે રાજ્ય સરકારના ભલામણ પ્રમાણે રાજ્ય પ્રવાસન વિભાગ અને ટુરિઝમ કોર્પોરેશને તમામ મેળાઓ રદ્દ કરવાનું નક્કી કર્યું છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંકસમયમાં થશે.
શ્રાવણ મહિનાની શરૂઆત 21મી જુલાઇથી થાય છે ત્યારે આ મહિનામાં આવતા તમામ મેળાઓ મોકુફ રાખવા સરકારની ભલામણ છે જેમાં જન્માષ્ટમીનો તહેવાર પણ આવે છે જે સામાન્ય રીતે દ્વારકા અને ડાકોર ઉપરાંત રાજ્યના મોટાભાગના મંદિરોમાં મનાવવામાં આવે છે.
એવી જ રીતે ભાદરવી પૂનમે અંબાજીમાં પાંચ થી સાત દિવસનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણના કારણે અંબાજીનો પ્રખ્યાત મેળો રદ્દ થાય તેવી સંભાવના છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે આ અંગે મંત્રણા થવાની છે. અષાઢી બીજની રથયાત્રાનો તહેવાર માત્ર મંદિર પુરતો સિમિત રાખવામાં આવ્યો હતો તેમ અંબાજીમાં પણ ભાદરવી પૂનમે ધાર્મિક વિધિ કરાશે પરંતુ લોકોને પગપાળા અંબાજી જવા દેવામાં નહીં આવે.
ગુજરાતમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં 25 એવા મેળા યોજાય છે કે જેમાં લાખો શ્રદ્ધાળુઓ એકત્ર થતાં હોય છે. આ સમયમાં ગણેશ ચતુર્થીનો તહેવાર પણ આવતો હોઇ ગણેશ સ્થાપન પણ રાજ્યમાં ઠેર ઠેર થતું હોય છે. મહારાષ્ટ્ર અને મુંબઇમાં મોટા મોટા સંઘોએ આ વખતે ગણેશ ચતુર્થી નહીં યોજવાનું નક્કી કર્યું છે ત્યારે ગુજરાતમાં પણ ગણેશ મહોત્સવની ઉજવણી રદ્દ કરવામાં આવે તેવી સંભાવના છે.
ગુજરાતમાં જુલાઇ મહિનામાં કોરોના સંકટ વધુ ઘેરૂં બન્યું છે. પ્રતિદિન 900 ઉપરાંત પોઝિટીવ કેસ આવી રહ્યાં છે અને આગામી ત્રણેક દિવસમાં રોજના 1000 કેસ નોંધાય તેવી ભિતિ હોવાથી જાહેર સમારંભો, પાર્ટી, જાહેર સભા અને જ્યાં વધુ લોકો એકત્ર થતાં હોય તેવા લોકમેળા પર પ્રતિબંધ તો મૂકાયેલો છે પરંતુ લોકોની ભાવનાને સમજીને સરકાર મર્યાદિત ભક્તોની ઉપસ્થિતિમાં પૂજનવિધિ અને પરંપરા પ્રમાણેનું આચરણ કરવા દેતી હોય છે. આ વખતે માત્ર લોકો એકત્ર થઇ શકશે નહીં.