નવી દિલ્હી : એક તરફ કોરોનાની બીજી લહેરથી દેશમાં હાહાકાર મચેલો છે અને વિવિધ રાજ્યો દ્વારા મિનિ લોકડાઉન જેવા પગલાં હાથ ધરવામાં આવ્યા હોવા છતાં સમાપ્ત થયેલા એપ્રિલમાં વીજ વપરાશમાં વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધારો થયો છે. જો કે ગયા વર્ષના એપ્રિલમાં દેશ આખામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું હતું.
સમાપ્ત થયેલા એપ્રિલમાં વીજ વપરાશ ૪૧ ટકા વધી ૧૧૯.૨૭ અબજ યુનિટસ રહ્યું હતું, જે વીજની ઔદ્યોગિક તથા કમર્સિઅલ માગમાં વધારો થયાનું સૂચવે છે.
ગયા વર્ષના એપ્રિલમાં વીજ વપરાશનો આંક ૮૪.૫૫ અબજ યુનિટસ રહ્યો હતો. વર્તમાન વર્ષના એપ્રિલમાં એક દિવસની વીજ માગ ૧૮૨.૫૫ ગીગા વોટ સાથે મહિનામાં સૌથી ઊંચી રહી હતી. ગયા વર્ષના એપ્રિલમાં વીજની એક દિવસની માગનો સૌથી ઊંચો આંક ૧૩૨.૭૩ ગીગા વોટ રહ્યો હતો.
૨૦૧૯ના એપ્રિલમાં વીજની માગ ૧૧૦.૧૧ અબજ યુનિટસ રહી હતી. જેની સરખામણીએ વર્તમાન વર્ષની એપ્રિલની વીજ માગ ઊંચી રહી છે. ૨૦૧૯ના એપ્રિલમાં વીજની એક દિવસની સૌથી વધુ માગનો આંક ૧૭૬.૮૧ ગીગા વોટ રહ્યો હતો એમ વીજ મંત્રાલયના ડેટા જણાવે છે.
આમ ૨૦૨૦ તથા ૨૦૨૧ના એપ્રિલમાં વીજની પીક (ટોચની) ડિમાન્ડ ૨૦૧૯ની સરખામણીએ નોધપાત્ર નીચી રહી છે.