ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતાં કેન્દ્રીય ટીમ પાછી ગુજરાતની મુલાકાતે આવી રહી છે. કેન્દ્રીય ટીમ ત્રીજીવખત ગુજરાત આવી રહી છે. અગાઉ બે વખત આવ્યા પછી પણ કેસોની સંખ્યામાં ઘટાડો નહીં થતાં ત્રીજીવખત ટીમને મોકલવામાં આવી છે.
સચિવાલયના સૂત્રો કહે છે કે કેન્દ્રીય ટીમ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનુરોધ કર્યો છે. આ ટીમના ચાર સભ્યો શુક્રવારે ગુજરાત આવશે અને અમદાવાદ તેમજ સુરતમાં કોરોનાના વધતા કેસોની સમીક્ષા કરશે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ હોસ્પિટલના જાણીતા તબીબો સાથે પણ ચર્ચા કરશે.
આ ટીમમાં નીતિ આયોગના સદસ્ય વિનોદ પોલ, આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, એઇમ્સના ડીરેક્ટર રણદીપ ગુલેરિયા અને હેલ્થ અને ફેમિલી ડિપાર્ટમેન્ટના એડીશનલ સેક્રેટરી આરપી આહુજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે આ ટીમ રાજ્યના મિડીયા પ્રતિનિધિઓ સાથે પણ વાર્તાલાપ કરવાની છે.
છેલ્લે જ્યારે કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી ત્યારે માહિતીના અભાવે ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારીઓનો ઉઘડો લીધો હતો. બીજી તરફ નીતિ આયોગે કહ્યું હતું કે ટેસ્ટ ઓછા કરવાથી રાજ્યનો દેખાવ સારો રહેવાનો નથી. કોરોના સંક્રમણના વધુમાં વધુ ટેસ્ટ કરવા જોઇએ કે જેથી બીજા લોકોને સંક્રમણ થતું અટકી શકે. રાજ્ય સરકારે કેન્દ્રીય ટીમની ભલામણ પ્રમાણે કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરતાં રાજ્યમાં વધુ દર્દીઓ સામે આવ્યા હોવાનું કહેવામાં આવે છે.