મુંબઇઃ ભારતમાં ફરીથી કોરોના વાયરસના કેસો વધતા રોકાણકારોમાં ફરી દહેશતનો માહોલ છે. બુધવારે પણ વેચવાલીનું દબાણ રહેતા ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે ઘટીને એક મહિનાની નીચી સપાટીએ બંધ થયુ હતુ. આજે સેન્સેક્ 562 પોઇન્ટ ઘટીને 49,801 બંધ થયો હતો. તો નિફ્ટી નીચામાં 14,721નેને સ્પર્શ્યા બાદ અંતે 189 પોઇન્ટ ઘટીને 14721 બંધ થયો હતો. આ સાથે સેન્સેક્સમાં વિતેલા ચાર દિવસ દરમિયાન 1478 પોઇન્ટનું ગાબડું પડ્યુ છે. આજે સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા. તો નિફ્ટીના 50માંથી 48 શેર ડાઉન હતા.
પ્રોફિટ બુકિંગના દબાણથી બુધવારે પણ આજે શેરબજારમાં મંદીનો માહોલ રહ્યો અને તમામ ઇન્ડાઇસિસ ઘટીને બંધ થયા હતા. મિડકેપ ઇન્ડેક્સ 2.3 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.1 ટકા તૂટ્યો હતો. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં આજે ઓઇલ-ગેસ ઇન્ડેક્સ સૌથી વધુ 3.22 ટકા તૂટ્યો હતો. ત્યારબાદ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ, કન્ઝ્યુમક ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયલ્ટી, હેલ્થકેર અને ટેલિકોમ ઇન્ડેક્સ પણ 2થી 3 ટકા ઘટ્યા હતા. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પણ 1.6 ટકાના ધોવાણમાં 34229 બંધ થયો હતો.
શેરબજારમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો નોંધાતા રોકાણકારોને જંગી નુકસાન થઇ રહ્યુ છે. આજે બીએસઇની માર્કેટકેપ 3.57 લાખ કરોડ રૂપિયા ઘટીને 203.71 લાખ કરોડ રહી હતી. એટલે કે આજે રોકાણકારોને શેરબજારમાં 3.57 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. આજે બીએસઇ ખાતે 837 કંપનીના શેરના ભાવમાં સુધારા સામે 2148 કંપનીઓના શેર ઘટીને બંધ થયા હતા જે નેગેટિવ માર્કેટ બ્રેડ્થ દર્શાવે છે.