ગુજરાતના શહેરોમાં રેપિડ ટેસ્ટ કરવાની શરૂ કરેલી પ્રક્રિયાને કારણે વધુને વધુ પોઝિટીવ કેસો સામે આવી રહ્યાં છે. અમદાવાદ પછી હવે બીજા શહેરોમાં પણ રેપિડ ટેસ્ટ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચના છે કે પ્રત્યેક મ્યુનિસિપલ કોર્પોરેશન રેપિડ ટેસ્ટ કરી શકે છે.
અમદાવાદ માહાનગરે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વિવિધ જગ્યાએ રેપિડ ટેસ્ટ શરૂ કર્યા છે. શહેરના વિવિધ શોપિંગ સેન્ટરો અને માર્કેટમાં ટેસ્ટીંગની કાર્યવાહી કરી છે. રેપિડ ટેસ્ટમાં શહેરના ન્યૂ ક્લોથ માર્કેટમાં 60 અને માણેક ચોક સોની બજારમાં ચાર ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે.
ગુજરાતમાં શરૂઆતમાં ટેસ્ટની સંખ્યા ઓછી કરવામાં આવતી હોવાથી રાજ્ય સરકાર ટીકાને પાત્ર બની હતી. નીતિ આયોગે પણ ગુજરાત સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે રાજ્યમાં ટેસ્ટ ઓછા કરવાથી કોરોના સમાપ્ત થવાનો નથી. દેશના બઘાં રાજ્યોએ કોરોના ટેસ્ટની સંખ્યા વધારવી પડશે. કેન્દ્રની આરોગ્ય ટીમે પણ ગુજરાતમાં આવીને વધુને વધુ ટેસ્ટ પર ભાર મૂક્યો છે.
અમદાવાદ મહાનગર પ્રતિદિન 1000 કરતાં વધુ રેપિડ ટેસ્ટ કરી રહ્યું છે. આ વખતે ફરી એકવાર સુપર સ્પ્રેડર્સ ટેસ્ટીંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે એવા એકમો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય અથવા કામ કરતાં હોય તેવી ફેક્ટરી, જીઆઇડીસી, બેન્કો અને બસસ્ટેન્ડને આવરી લેવામાં આવ્યા છે.
મહાનગરે કોટ વિસ્તારમાં માણેકચોકમાં 200 ટેસ્ટ કર્યા હતા. સુર્નોમલ માર્કેટમાં 138 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાયપુરની સફલ-3માં 175ના ટેસ્ટ કરવાં આવ્યા હતા. ન્યૂ ક્લોથ માર્કેટમાં પણ સૌથી વધુ 350 અને ઘંટાકર્ણ માર્કેટમાં 220 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસના કર્મચારીઓના ટેસ્ટ કરતાં સાત કર્મચારીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે. મહાનગરે એક સપ્તાહમાં 1850 કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કર્યા હતા.
અમદાવાદની જેમ સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરમાં પણ રેપિડ ટેસ્ટનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે અને વધુને વધુ લોકો કોરોના પોઝિટીવ કેસ બહાર આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો વધીને 51500 સુધી પહોંચી ગયો છે, જો કે મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે.