દુનિયાની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓમાં સ્થાન ધરાવતી માઇક્રોસોફ્ટ કંપનીએ પાછલા નાણાંકીય વર્ષમાં અભૂતપૂર્વ પડકારો વચ્ચે નિષ્ઠા સાથે કામકાજ કરનાર કર્મચારીઓને સમ્માનિત કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે કંપની તરફથી કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ લેવલથી લઇને નીચા લેવલ સુધીના તમામ કર્મચારીઓને 1500 ડોલરનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે. આ બોનસ એવા કર્મચારીઓને પણ મળશે જેઓ પાર્ટ ટાઇમ વર્કર્સ છે અથવા કલાકના દરે કંપની સાથે કામ કરી રહ્યા છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો બોનસની રકમ 1 લાખ રૂપિયાથી વધારે રકમ થાય છે.
માઈક્રોસોફ્ટના ચીફ પીપલ ઓફિસર કેથલીન હોગનએ આ બોનસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે માઈક્રોસોફ્ટના દરેક કર્મચારી આ બોનસનો હકદાર છે. પછી તે અમેરિકામાં કાર્યરત હોય કે અન્ય કોઈ દેશમાં. આ બોનસ વાઇસ પ્રેસિડેન્ટથી નીચેના સ્તરના તમામ કર્મચારીઓને આપવામાં આવશે. જેમણે 31 માર્ચ 2021પહેલા કંપનીમાં જોઈન કર્યું હોય.
તે પાર્ટ ટાઈમ કર્મચારીઓને પણ બોનસ આપવામાં આવશે જે દર કલાકના આધારે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કંપનીના 1,75,508 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. બોનસ પર કંપનીને લગભગ 26.32 કરોડ ડોલરનો ખર્ચ કરવો પડી શકે છે.
આ પહેલા ફેસબૂકે પણ પોતાના 45 હજાર કર્મચારીઓને 1000 ડોલરની ભેટ આપી હતી અને એમેઝોનએ પણ ફ્રન્ટલાઈન કર્મચારીઓને માટે 300 ડોલરના હોલીડે બોનસ આપવાની જાહેરાત કરી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે માઈક્રોસોફ્ટની સહાયક કંપનીઓ લિંક્ડઇન, ગિટહબ અને જેનીમેક્સના કર્મચારી મહામારીમાં બોનસને પાત્ર નથી.